Western Times News

Gujarati News

વ્યાજખોરોએ પઠાણી ઉઘરાણી કરતા યુવાનનો આપઘાતનો પ્રયાસ

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ : અમદાવાદ શહેરમાં વ્યાજખોરોનો આતંક ખુબ જ વધી રહ્યો છે. વેપારીઓ તથા સામાન્ય લોકોને તેમની પરિસ્થિતિ લાભ લઈને ઉંચા વ્યાજે નાણાં ધીર્યા બાદ અવારનવાર પઠાણી ઉઘરાણી કરતાં હોય છે. અને લોકોને આર્થિક રીતે પાયમાલ કરી નાંખતા કેટલાંય બનાવોમાં વ્યક્તિ આપઘાતનું છેલ્લું પગલું ભરે છે. આવા બનાવો અમદાવાદ પોલીસના ચોપડે વારંવાર નોંધાઈ રહ્યા છે. વ્યાજખોરો વિરૂધ્ધ વારંવાર કાર્યવાહી કર્યા છતાં ખાનગી રાહે આવા શખ્સો વધુ રૂપિયા કમાવવાની લાલચે ધંધો કરી રહ્યા છે. ગઈકાલે સોલામાં પણ એક વ્યક્તિ વ્યાજખોરોનો ભોગ બન્યો હોવાનું બહાર આવ્યુ છે.

ચાંદલોડીયા ભાવિક સ્કુલ નજીક આવેલી હરિ કૃષ્ણનગરમાં રહેતો સંજય દેવાભાઈ પચાલ વેપારી છે. તેમને ધંધામાં જરૂર પડતાં ન્યુ રાણીપ અંબિકાનગરમાં રહેતા કનુભાઈ અમરતભાઈ પંચાલ તથા રાકેશભાઈ ઉર્ફે ભૂપતભાઈ હર્ષદભાઈ પટેલ (રહે.વીટી પાર્ક, ચાંદલોડીયા) પાસેથી મોટી રકમ ઉધારે લીધી હતી. જેનું કનુ તથા રાકેશ બંન્ને અઠવાડીયાના દસ ટકા જેટલું મસમોટું વ્યાજ વસુલતા હતા. સંજયભાઈ તેમને સમયસર વ્યાજની રકમની ચુકવણી પણ કરતા હતા.

પરંતુ ગત બે મહિનાથી તેમનો ધંધો બરાબર ચાલતો નહોઈ વ્યાજ સમયસર ચુકવી શક્યા નહોતા. જેને પગલે વ્યાજખોર કનુ તથા રાકેશે વ્યાજના રૂપિયા નહીં આપે તો જાનથી મારી નાંખવાની ધમકીઓ આપીને બિભત્સ ગાળો બોલી હતી. તથા વારંવાર ફોન કરીને રૂબરૂ મળીને સંજયભાઈને માનસિક ત્રાસ આપતા દબાણમાં આવી ગયેલા સંજયભાઈએ ત્રણ દિવસ અગાઉ ઘરમાં આપઘાતનો પ્રયાસ કર્યો હતો. પરંતુ પરિવારને જાણ થતાં તેમણે સંજયભાઈને દવાખાને ખસેડ્યા હતા. જ્યાંથી સંજયભાઈએ કનુ તથા રાકેશ સામે સોલા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.