Western Times News

Gujarati News

રાજ્યમાં હેલ્મેટના કાયદાનો અમલ નિશ્ચિત

પ્રતિકાત્મક

અમદાવાદ: ગુજરાતમાં હેલ્મેટ મરજિયાત કરવાના મામલે રાજય સરકાર દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં થયેલી જાહેર હિતની અરજીની સુનાવણી દરમયાન પલ્ટી મારવામાં આવી હતી અને સરકારે યુ ટર્ન લેતાં એવો બચાવ રજૂ કર્યો હતો કે, હેલ્મેટનો નિર્ણય હાલ પૂરતો મોકૂફ કરાયો છે, રદ કરાયો નથી. સરકારે સોગંદનામું રજૂ કરીને ગુજરાતમાં હેલ્મેટ પહેરવું મરજીયાત નથી કરાયું, ફરજિયાત જ છે. સરકારે એમ પણ સ્પષ્ટ કર્યું કે, પાછળ બેસનારે પણ હેલમેટ પહેરવું ફરજિયાત છે.

સરકારના સોગંદનામા બાદ હાઇકોર્ટે રાજયના ટ્રાન્સપોર્ટ સચિવને આ કેસમાં જરૂરી એફિડેવીટ રજૂ કરવા આદેશ કર્યો હતો. સેન્ટ્રલ મોટર વ્હીકલ એક્ટ ૨૦૧૯ના વિરુદ્ધમાં ગુજરાત સરકાર દ્વારા જનતાને શહેરી વિસ્તારમાં હેલ્મેટ પેહરવામાંથી મુક્તિ આપવામાં આવી હતી. કેન્દ્ર સરકારે બનાવેલા કાયદામાં સેક્શન-૧૨૯ મુજબ હેલ્મેટ ફરજિયાત છે, પરંતુ રાજ્ય સરકારે લોકલાગણીને ધ્યાનમાં લઇ આ જાગવાઇનો નિર્ણય હાલ પૂરતો મોકૂફ રાખવાનો નિર્ણય કર્યો હતો. જેને પગલે રાજયભરના પ્રજાજનોને હેલ્મેટ પહેરવામાંથી મુકિત અને રાહત મળી હતી.

દરમ્યાન હાઇકોર્ટ સમક્ષ હેલ્મેટ મામલે થયેલી જાહેરહિતની રિટ અરજીમાં એવા મુદ્દા ઉપસ્થિત  કરાયા હતા કે, કોઈપણ રાજ્ય તરફથી કેન્દ્ર સરકાર દ્વારા બનાવવામાં આવેલા કાયદો બદલી શકાય નહીં. જો કોઈ રાજય સરકારે પાર્લામેન્ટ દ્વારા બનાવવામાં આવેલા કાયદામાં ફેરફાર કરવું હોય તો ભારતના બંધારણના અનુચ્છેદ-૨૫૪(૨) મુજબ રાજ્ય વિધાન સભામાં પસાર થયેલા કાયદો રાષ્ટ્રપતિની મંજૂરી માટે મોકલવાનો હોય છે. જેમાં રાષ્ટ્રપતિની મંજૂરી મળ્યા બાદ નોટિફિકેશન બહાર પાડીને કાયદો અમલમાં મુકાય છે.

પણ અહિંયા ગુજરાત સરકારે આ પ્રકારની કોઈપણ કાર્યવાહી કર્યા વગર જ રાજકીય હેતુ માટે શહેરી વિસ્તારમાં હેલ્મેટ પહેરવું મરજીયાત કરી દીધું હતું. સેન્ટ્રલ મોટર વ્હીકલ એક્ટ ૧૯૮૮ સેક્શન ૧૨૯ મુજબ ટુ વ્હીલર ચલાવનાર અને પાછળ બેસનાર વ્યક્તિ બંનેએ ફરજીયાત હેલ્મેટ પેહારવાનું હોય છે. જેમાંથી ૪ વર્ષ સુધીના બાળકો અને શીખ સમુદાયને આ કાયદામાંથી મુક્તિ આપવામાં આવેલી છે. જે નિયમમાં સુધારો કરીને રાજ્ય સરકાર દ્વારા બનાવવામાં આવેલા ગુજરાત મોટર વ્હીકલ રૂલ્સ ૧૯૮૯માં ટુ વ્હીલર પાછળ બેસવાવાળી મહિલા અને ૧૨ વર્ષ નીચેના બાળકોને હેલ્મેટ પેહરવામાંથી મુક્તિ આપવામાં આવેલી છે.

અન્ય રાજ્યોમાં જયારે વાહન ચાલકોની સુરક્ષા હેતુ વાહન ચાલક અને પાછળ બેસવા વાળા બંનેને હેલ્મેટ ફરજીયાત હોઈ છે, ત્યારે ગુજરાતમાં હેલ્મેટ પેહરવામાંથી મુક્તિ કેમ?  નોંધનીય છે કે, ગુજરાત સરકાર દ્વારા હેલ્મેટ મરજીયાત કર્યા બાદ સુપ્રીમ કોર્ટના રોડ સેફ્‌ટી કમિટી દ્વારા પત્ર પાઠવીને તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશ પાસેથી સેન્ટ્રલ મોટર વ્હીકલ એક્ટના અમલીકરણનો રિપોર્ટ પણ માંગવામાં આવેલો હતો. જેમાં રાજ્ય સરકારને કાયદો બદલવાની કોઈ સત્તા નથી એનો સ્પષ્ટપણે ઉલ્લેખ પણ છે. હેલ્મેટ મામલે સુરતના જાગૃત નાગરિક સંજય ઇઝાવાએ જાહેર હિતની અરજી કરી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.