એવું તે શું થયું કે પિતાએ સગી દિકરીની રાત્રે ગળું દબાવી હત્યા કરી?

AI Image
પિતાએ રાત્રીના સમયે પુત્રીની ગળું દબાવી હત્યા કરી નાખી હોવાની ચોંકાવનારી ઘટના બની-પ્રેમ સંબંધથી નારાજ પિતાએ દીકરીની હત્યા કરી
(એજન્સી)અમરેલી, અમરેલી જિલ્લામાં ખાંભાના ડેડાણ ગામમા મુસ્લિમ યુવતીને હિન્દુ યુવક સાથે પ્રેમસંબંધ હોવાથી પિતાએ સમાજમાં આબરૂના ડરના કારણે રાત્રીના સમયે ગળું દબાવી હત્યા કરી નાખી હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. આ મામલે ખાંભા પોલીસે પુત્રીના સગા પિતાની આરોપી તરીકે ધરપકડ કરી છે. ખાંભાના ડેડાણ ગામમાં ઓનરકિલિંગની દુઃખદ ઘટના સામે આવી છે.
જ્યાં પિતાએ ૨૨ વર્ષીય પુત્રી ઇશિકાબેન ખોખરની હત્યા કરી દીધી હતી. યુવતીના પ્રેમસંબંધને કારણે પરિવારજનો નારાજ હતા. દરમિયાન દીકરી પણ જીદે ચડી હતી ગામના હિન્દુ યુવક કાના સાથે લગ્ન કરવા, પરંતુ અન્ય ધર્મના હોવાથી પિતા રાજી ન હતા.
પરિવારજનો અન્ય જગ્યાએ યુવતીની સગાઈ કરી લગ્ન કરવા માંગતો હતો. દીકરીએ જીવના જોખમને પગલે ૧૮૧ અભયમની મદદ માગી હતી. ટીમ પહોંચી પણ દીકરી ન ઉઠી એટલે પોલીસ આવતાં બનાવનો ભાંડો ફૂટ્યો હતો.
જોકે, આ દરમિયાન દીકરીને પ્રેમસંબંધ હોવાથી કારણે સમાજમાં આબરૂ જવાની બીકે યુવતીના પિતા મજીદભાઇ ગુલાબભાઇ ખોખરે રાત્રિના સમયે ગળું દબાવી હત્યા કરી મોતને ઘાટ ઉતારી દેતા ચકચાર મચી ગઇ છે.
ઘટનાને લઈ ખાંભા પોલીસ એ.એસ.પી.જયવીર ગઢવી સહિત પોલીસ અધિકારીઓની ટીમ ઘટના સ્થળે પહોંચી ખાંભા પોલીસ ફરિયાદી બની આરોપી પિતા સામે હત્યાનો ગુન્હો નોંધી ધરપકડ કરી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે
ખાંભા પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ.રવિરાજ સિંહ ચૌહાણ જાતે જ ફરીયાદી બન્યા હતા. જેમાં ફરિયાદ નોંધાઈ તે પ્રમાણે વહેલી સવારે મહિલા હેલ્પલાઈન ૧૮૧ અભયમની ટીમ ડેડાણ ગામમાં મજીદભાઈના ઘરે પહોંચી હતી. હત્યા પહેલા ઇશિકાબેનએ ૧૮૧ની અભ્યમ ટીમ પાસે મદદ માંગી હતી. આ મામલે ગંભીરતા દાખવી ખાંભા પોલીસને બોલાવવામાં આવી હતી.