પહલગામના દોષિતો વિરુદ્ધ એક્શન- એક આતંકીનું ઘર બોમ્બથી ઉડાવ્યું, બીજાના ઘરે બુલડોઝર ફેરવ્યું

(એજન્સી)જમ્મુ અને કાશ્મીર, જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં તાજેતરમાં થયેલા આતંકી હુમલામાં સામેલ આતંકવાદી આસિફ શેખના ઘરને વિસ્ફોટકોની મદદથી ઉડાવી દેવામાં આવ્યું છે.
હુમલામાં સામેલ આતંકી આસિફ શેખના મોગામામાં ઘરની તપાસ દરમિયાન એક શંકાસ્પદ બોક્સ મળી આવતા ભારતીય સેના અને સુરક્ષા દળોને સતર્ક રહેવું પડ્યું હતું. આ બોક્સમાંથી વાયરો નીકળી રહ્યા હતા.
અહેવાલો અનુસાર, સર્ચ ઓપરેશન દરમિયાન સુરક્ષા દળોને એક શંકાસ્પદ બોક્સ મળ્યું. શરૂઆતની તપાસમાં તે ઇમ્પ્›વાઇઝ્ડ એક્સપ્લોઝિવ ડિવાઇસ હોવાની શંકા હતી. ઘટનાસ્થળે પહોંચેલી ભારતીય સેનાની રાષ્ટ્રીય રાઇફલ્સની એન્જિનિયરિંગ ટીમે તે બોમ્બ હોવાની પુષ્ટિ કરી.
સુરક્ષાની દ્રષ્ટિએ બોક્સ સ્થળ પર જ નાશ પામ્યું હતું, જેના પરિણામે જોરદાર વિસ્ફોટ થયો હતો. આ વિસ્ફોટમાં કોઈ જાનહાનિ થઈ નથી.
ઘરનો એક ભાગ ચોક્કસપણે ઉડીને ખાખ થઈ ગયો હતો.જમ્મુ અને કાશ્મીર વહીવટીતંત્રે પહલગામ હુમલામાં સામેલ સ્થાનિક આતંકી આદિલ શેખનું ત્રાલમાં ઘર પણ તોડી પાડ્યું છે. આનાથી શંકા વ્યક્ત થઈ રહી છે કે પહેલગામ આતંકવાદી હુમલાનું આયોજન ઘણાં સમયથી કરવામાં આવી રહ્યું હતું.
સુરક્ષા દળોને આશંકા છે કે ઘટનાસ્થળે વધુ વિસ્ફોટક સામગ્રી હોઈ શકે છે, તેથી સમગ્ર વિસ્તારને સીલ કરી દેવામાં આવ્યો છે અને સર્ચ ઓપરેશન વધુ તીવ્ર બનાવવામાં આવ્યું છે.
આસિફ શેખને પહલગામ હુમલાનો મુખ્ય કાવતરાખોર માનવામાં આવે છે, જેમાં ૨૮ નિર્દાેષ પ્રવાસીઓના જીવ ગયા હતા. ટીઆરએફ દ્વારા જવાબદારી સ્વીકાર્યા પછી, સુરક્ષા દળોએ આતંકીઓના નેટવર્કને ઉખેડી નાખવાની વ્યૂહરચના અપનાવીને કાર્યવાહી શરૂ કરી છે.