અમદાવાદ મ્યુનિ. કમિશનરની ઓફિસમાં ઘૂસી જતાં કૂતરા રોકવા કાયમી કર્મચારીને તૈનાત કરવામાં આવ્યા

પ્રતિકાત્મક
AMC વિશ્વની આઠમી અજાયબી-અમુક તઘલખી નિર્ણયોના કારણે મનપાને કટાક્ષમાં
(દેવેન્દ્ર શાહ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન નો વહીવટ કયારેક ” અંધેરી નગરી..” ની વાર્તાની યાદ અપાવી જાય છે. મ્યુનિસિપલ ઉચ્ચ અધિકારીઓ અને ચૂંટાયેલી પાંખ ઘ્વારા લેવામાં આવતા અમુક તઘલખી નિર્ણયોના કારણે મનપાને કટાક્ષમાં વિશ્વની આઠમી અજાયબી પણ કહેવામાં આવે છે. મ્યુનિસિપલ ઉચ્ચ અધિકારી ઘ્વારા લેવામાં આવેલ આવા જ એક હાસ્યાસ્પદ નિર્ણય ના કારણે આઠમી અજાયબી ના કટાક્ષ પણ સાચા સાબિત થતા હોય તેમ લાગી રહ્યું છે.
અમદાવાદ શહેરમાં શેરી કુતરાઓની સંખ્યા સતત વધી રહી છે. જેના કારણે નાગરિકો ત્રાહિમામ પોકારી ગયા છે. પરંતુ જે લોકોના હાથમાં સત્તા છે તે લોકો પણ શેરી કુતરાઓથી ત્રસ્ત થઈ ગયા છે તેમ કહેવામાં આવે તો સાંભળવામાં થોડું અજુગતું લાગે છે પરંતુ આ સત્ય હકીકત છે.
જો કે, નાગરિકોને કુતરાઓના ત્રાસમાંથી રાહત ન અપાવી શકનાર ઉચ્ચ અધિકારીઓએ તેમના માટે અદભૂત ઉપાય શોધ્યો છે જેના કારણે જ આઠમી અજાયબી નું બિરુદ સાર્થક લાગી રહ્યું છે.
અહીં, વાત જાણે એમ છે કે, મ્યુનિસિપલ કમિશનર, મેયર, ડે. મેયર અને ઉચ્ચ અધિકારીઓની જ્યાં ઓફિસ છે તે દાણાપીઠ કાર્યાલય ખાતે રખડતા કુતરાઓનો ત્રાસ વધી ગયો છે. આ કુતરાઓ મહાનુભવોની ઓફિસ બિલ્ડીંગ માં ઘુસી ન જાય તેનું ધ્યાન રાખવા બપોરે 2 વાગ્યા થી રાત્રે 9 વાગ્યા સુધી ખાસ કર્મચારી તૈનાત કરવામાં આવ્યો છે.
તેનું કામ બિલ્ડીંગ ના દરવાજા પાસેથી કૂતરા ભગડવાનું જ છે. ચોંકાવનારી બાબત એ છે કે જે કર્મચારી ને આ કામ સોંપવામાં આવ્યું છે તે કોઈ રોજમદાર કર્મચારી નથી. પરંતુ કોર્પોરેશન ના કાયમી કર્મચારી છે. તેમની મૂળ ફરજ સ્લોટર હાઉસમાં સુપરવાઈઝર તરીકેની છે. તેમજ તેમનો પે-ગ્રેડ 21000 છે.
આ કર્મચારી બપોરે કમિશ્નર, મેયર, ડે. મેયર ના આગમન સમય પહેલા હાજર થઈ જાય છે. આમ તો આ તમામ મહાનુભાવો સાંજે 7 વાગે ઓફિસથી નીકળી જાય છે. પરંતુ રિદ્ધેશ રાવલ નામના ડે. કમિશનર રાત્રે 9 વાગ્યા સુધી ઓફિસમાં બિરાજમાન હોય છે(કારણ ખબર નથી) તેથી માત્ર તેમના માટે જ કૂતરા ભગાડનાર કર્મચારી રાતે 9 વાગ્યા સુધી રોકાય છે.