Western Times News

Gujarati News

મ્યુનિ.ટેક્ષ રીબેટ યોજના સફળઃ દસ દિવસમાં રૂ.૩૮ કરોડની આવક

ખાલી બંધ યોજનાનો અમલ થાય તો નવા વેરા નાંખવાની જરૂરીયાત ન રહેઃ નિષ્ણાંત

(દેવેન્દ્ર શાહ દ્વારા)અમદાવાદ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જાહેર કરવામાં રીબેટ યોજનાને સારો પ્રતિસાદ મળી રહયો છે. મિલ્કતવેરાના વરસો જુના લેણાની વસુલાત માટે અમલી રીબેટ યોજનામાં તંત્રને માત્ર દસ દિવસમાં જ રૂ.૩૮ કરોડની ધરખમ આવક થઈ છે. જયારે ચાલુ નાણાકીય વર્ષમાં મિલ્કતવેરા પેટે કુલ આવક રૂ.૮પ૧ કરોડથઈ છે. જયારે તમામ પ્રકારના ટેક્ષની આવક રૂ.૧૦૭૬ કરોડ થઈ છે. જે ગત વર્ષની સરખામણીમાં અંદાજે ૯૦ ટકા વધારે છે.


મ્યુનિ.કોર્પોરેશન દ્વારા ટેક્ષના જુની અને નવી ફોમ્યુલાના બાકી લેણાની વસુલાત પેટે ૧૮ ટકા વ્યાજ લેવામાં આવે છે. જે ખાનગી બેકો કરતા પણ વધારે છે. મિલ્કતવેરા ના વ્યાજમાં ઘટાડો કરવા માટે કોગ્રેસ પક્ષ દ્વારા વારંવાર રજુઆત કરવામાં આવે છે. તેમ છતાં રાજય સરકાર દ્વારા વ્યાજમાં ઘટાડો કરવામાં આવતો નથી.

પરંતુ નાગરીકો પર વધુ આર્થિક બોજ ન આવે તે માટે દર વર્ષે રીબેટ યોજના જાહેર કરવામાં આવે છે. જેમાં પ૦ ટકા રાહત આપવામાં આવે છે.મ્યુનિ.કમીશ્નરે ગત નાણાકીય વર્ષમાં રીબેટ યોજનાનો અમલ કરવા સ્પષ્ટ ના કહી હતી મ્યુનિ. હોદ્દેદારોએ પણ કમીશ્નર ના સુરમાં પુરાવ્યો હતો.

પરંતુ ર૦ર૦માં મનપાની ચુંટણી હોવાથી હોદેદારોએ સુર બદલ્યા હતા તેથી રીબેટ યોજના જાહેર કરવામાં આવી છે. મ્યુનિ.સ્ટેન્ડીગ કમીટી દ્વારા મંજુર કરવામાં આવેલી રીબેટ યોજનાનો ૧૬ જાન્યુઆરીથી અમલ શરૂ થઈ ગયો છે. ૧૬ જાન્યુઆરીથી ર૭ જાન્યુઆરી સુધીના સમયગાળામાં મનપા ને મિલ્કતવેરા પેટે રૂ.૩૭.૩૯ કરોડની ધરખમ આવક થઈ છે. મ્યુનિ.ટેક્ષ ખાતાના સુત્રોએ જણાવ્યા મુજબ રીબેટ યોજના દરમ્યાન સીવીક સેન્ટરમાં ૪૧૭૩ર રસીદો ફાડવામાં આવી છે. જે પેટે રૂ.૩૩.૪૮ કરોડની આવક થઈ છે.

જયારે ૪૭૩૯ નાગરીકોએ ઓનલાઈન તથા ૪૩૪ નાગરીકોએ મોબાઈલ એપ્લીકેશન મારફતે મિલ્કતવેરો ભરપાઈ કર્યા છે. રીબેટ  જનાના દસ દિવસ દરમ્યાન રૂ.૩૭.૩૯ કરોડની આવક થઈ છે. જયારે ગત મહીને યોજના ન હોવાથી સમગ્ર મહીનાની આવક રૂ.૩૮.૬૮ કરોડ હતી. મ્યુનિ.કોર્પોરેશનના ટેક્ષ વિભાગને ર૦૧૮-૧૯ના વર્ષે દરમ્યાન પ્રથમ વખત મિલ્કતવેરા પેટે રૂ.૯૦૦ કરોડની આવક થઈ હતી. ગત વર્ષે મિલ્કતવેરાની કુલ આવક રૂ.૯પ૧.૩૧ કરોડ હતી. જયારે ર૭ જાન્યુઆરી સુધી રૂ.૬૮૯ કરોડની આવક થઈ હતી.

જેની સામે ચાલુ નાણાકીય વર્ષમાં રર જાન્યુઆરી સુધી મિલકતવેરા પેટે રૂ.૮પ૧ કરોડ ની આવક થઈ છે. જે પાછલા વર્ષની સરખામણીમાં રૂ.૧૬ર કરોડ વધુ છે. ટકાવારીની દ્રષ્ટિએ ર૩.પ૧ ટકા આવક વધારે છે. ર૦૧૮-૧૯માં પ્રોફેશનલ ટેક્ષ પેટે રૂ.૧૭૪.૩૪ કરોડની આવક થઈ હતી.

જયારે ર૭ જાન્યુઆરીસુધી રૂ.૧૪૪.૭ર કરોડની આવક પ્રોફેશનલ ટેક્ષ પેટે મળી હતી. જેની સામે ર૦૧૯-ર૦માં ર૭ જાન્યુઆરી સુધી પ્રોફેશનલ ટેક્ષની કુલ આવક રૂ.૧પપ.૪૩ કરોડ થઈ છે.જે ગત વર્ષ કરતા સાત ટકા વધારે છે. વ્હીકલ ટેક્ષમાં નબળી શરૂઆત બાદ સારી રીકવરી થઈ રહી છે. ર૦૧૯-ર૦માં પ્રથમ ત્રણ માસ દરમ્યાન વ્હીકલ ટેક્ષની આવકમાં ૧પ ટકા નો ધરખમ ઘટાડો થયો હતો. જે હાલ પ.૮૮ ટકા છે.

મનપાને ર૦૧૮-૧૯ માં તમામ ટેક્ષ પેટે રૂ.૧ર૧૭.પ૧ કરોડની આવક થઈ હતી. જયારે ર૭ જાન્યુઆરી સુધી ટેક્ષની કુલ આવક રૂ.૯૧૦.૦૬ કરોડ થઈ હતી જેની સામે ચાલુ નાણાકીય વર્ષમાં આ જ સમયગાળા દરમ્યાન રૂ.૧૦૭૬.૯૧ કરોડની આવક થઈ છે. જે પાછલા વર્ષ કરતા રૂ.૧૬૬.૮પ કરોડ વધારે છે. તંત્રએ ર૦૧૮-૧૯માં જે આવક મેળવી હતી તેના ૮૮ ટકા આવક ચાલુ નાણાકીય થઈ ગઈ છે. નાણાકીય વર્ષ પૂર્ણ થવામાં બે મહીના કરતા પણ વધારે સમય બાકી છે. તેથી ર૦૧૯-ર૦ના અંત સુધીમાં ટેક્ષની કુલ આવક રૂ.૧૩૦૦ કરોડને પાર કરી શકે છે.

મ્યુનિ.કોર્પોરેશનના ટેક્ષ વિભાગ દ્વારા રીબેટ યોજનાન સાથે-સાથે સીબીંગ ઝુંબેશ પણ શરૂ કરવામાં આવી છે. મોટા દેવાદારોની મિલ્કતોને સીલ કરીને રીકવરી કરવામાં આવી રહી છે. કમીશ્નરે રીબેટ યોજનાની સાથે ખાલી-બંધ યોજના પણ બંધ કરી હતી. ચાલુ નાણાકીય વર્ષમાં ખાલી બંધ યોજનાની પડતર ૧પ૦૦ ફાઈલોનો નિકાલ કરવામાં આવે તો તંત્રને ટેક્ષ પેટે રૂ.૧પ૦૦ કરોડની આવક થઈ શકે છે. તથા પ્રજા પર નવા કરવેરા નાંખવાની જરૂરીયાત પણ રહેશે નહીં તેમ સુત્રોએ વધુમાં જણાવ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.