ગીરમાં વસતી ગણતરી પહેલાં જ અમરેલીમાં સિંહોના મોતથી ચિંતા

અમરેલી, અમરેલી જિલ્લામાં સિંહોની વસ્તી ગણતરી પહેલાં એક દુઃખદ ઘટના સામે આવી છે, જેમાં છેલ્લા ચાર દિવસમાં ત્રણ સિંહોના મોત થયા છે. આ ઘટનાએ વન વિભાગ અને સિંહપ્રેમીઓમાં ચિંતાનું મોજું ફેલાવી દીધું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, રાજુલા તાલુકાના પીપાવાવ-ભેરાઈ વિસ્તારમાં બે દિવસ અગાઉ એક બાળ સિંહનો મૃતદેહ મળી આવ્યો હતો. ત્યારબાદ, રાજુલાના કોટડી ગામ નજીક રેવન્યુ વિસ્તારમાં આવેલી એક વાડીમાંથી અંદાજે દોઢથી બે વર્ષની ઉંમરના એક યુવાન નર સિંહનો મૃતદેહ મળી આવ્યો હતો. વન વિભાગની ટીમે તાત્કાલિક બંને મૃતદેહોનો કબજો મેળવીને પોસ્ટમોર્ટમ માટે એનિમલ કેર સેન્ટર ખાતે મોકલી આપ્યા હતા.આ પહેલાં, સાવરકુંડલા અને અમરેલી વચ્ચે એક સિંહનું ટ્રક સાથે અકસ્માત થતાં મોત નીપજ્યું હતું.
શેત્રુજી ડિવિઝનના એસીએફ વિરલસિંહ ચાવડાએ આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે બંને સિંહોના મોત કુદરતી કારણોસર થયા છે અને કોઈ અકુદરતી ઘટના બની નથી.આગામી દસ દિવસમાં સિંહોની વસ્તી ગણતરી યોજાવાની છે, અને વન વિભાગ તેની તૈયારીઓમાં વ્યસ્ત છે. જો કે, સિંહોના સતત મોતની આ ઘટનાઓએ વન વિભાગમાં દોડધામ મચાવી દીધી છે. સિંહોના આ રીતે થતા મૃત્યુથી સિંહપ્રેમીઓમાં ભારે ચિંતા જોવા મળી રહી છે.SS1MS