ગુજરાતના ર૩ વિદ્યાર્થીઓ આજે ચીનથી પરત ફરશે

(પ્રતિનિધિ) અમદાવાદ: ચીનમાં ફેલાયેલા જીવલેણ કેરોના વાયરસના પગલે ભારતના સંખ્યાબંધ નાગરિકો ત્યાં ફસાયા છે ગુજરાતના પણ અનેક નાગરિકો ચીનમાં ફસાયેલા છે તેઓને પરત લાવવા માટે ગઈકાલે રાજયના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વિદેશમંત્રી એસ. જયશંકર સાથે ચર્ચા કરી મહત્વપૂર્ણ કામગીરી શરૂ કરી હતી જેના પગલે આજે બપોરે ચીનથી ગુજરાતના ર૩ વિદ્યાર્થીઓ દિલ્હી એરપોર્ટ પર આવી પહોંચવાની શકયતા છે અને બાકીના તમામને ટુંક સમયમાં પરત લાવવામાં આવશે તેવી ખાતરી આપવામાં આવી છે.
ચીનમાં ફેલાયેલા જીવલેણ વાયરસના પગલે વિશ્વભરના દેશો ચિંતિત બન્યા છે અને ચીનમાંથી પોતાના નાગરિકોને સહી સલામત પરત લાવવા માટે તમામ દેશોની સરકાર દ્વારા સઘન કાર્યવાહી કરવામાં આવી રહી છે ભારત સરકાર પણ આ મુદ્દે ગંભીર બની છે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ આ મુદ્દાને લઈ ખૂબ જ ચિંતિત બન્યા છે. ગઈકાલે વિદેશ મંત્રી તથા અધિકારીઓ સાથે બેઠક યોજી હતી આ દરમિયાનમાં રાજયના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ વિદેશ મંત્રી સાથે ચર્ચા કરી ગુજરાતીઓને પરત લાવવા માટે ચર્ચા કરી હતી. એકલા બુહાનમાં જ ૧૦૦થી વધુ ગુજરાતીઓ ફસાયેલા છે.
ચીનમાં ફસાયેલા ગુજરાતના નાગરિકોમાં મોટાભાગના વિદ્યાર્થીઓ છે. વિદેશ મંત્રાલય દ્વારા શરૂ કરાયેલી કામગીરીના ભાગે આજે ગુજરાતના ર૩ વિદ્યાર્થીઓ પરત ભારત ફરે તેવી સંપૂર્ણ શક્યતાઓ છે. આ તમામ ર૩ વિદ્યાર્થીઓ બપોર બાદ દિલ્હી એરપોર્ટ પર આવી પહોંચવાના છે તેવુ જાણવા મળી રહયું છે. આ તમામ વિદ્યાર્થીઓનું મેડિકલ પરીક્ષણ કરવામાં આવશે. ચીનથી આવી રહેલા ગુજરાતના વિદ્યાર્થીઓના પગલે એરપોર્ટ પર મેડીકલ ટીમોને તૈનાત કરી દેવામાં આવી છે.