સરદારનગરમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે બે વૈભવી કાર જપ્ત
(પ્રતિનિધિ) અમદાવાદ : અમદાવાદ શહેરમાંથી દારૂ જુગારની બદીને ડામી દેવા માટે વ્યાપક દરોડા પાડવામાં આવી રહયા છે શહેરના સરદારનગર વિસ્તારમાં પોલીસ નિયમિત રીતે સર્ચ ઓપરેશન કરતી હોય છે આ દરમિયાનમાં શહેરના સરદારનગર વિસ્તારના કેટલાક કુખ્યાત બુટલેગરો દ્વારા વૈભવી કારમાં વિદેશી દારૂનો મોટો જથ્થો લાવી તેને સગેવગે કરતા હોવાની બાતમી મળતાં જ સરદારનગર પોલીસે રેડ પાડી રૂપિયા વિદેશી દારૂનો જથ્થો જપ્ત કર્યો છે અને બે વૈભવી કાર પણ જપ્ત કરી છે.
આ અંગેની વિગત એવી છે કે અમદાવાદ શહેરના સરદારનગર વિસ્તારમાં ધમધમતા દેશી વિદેશી દારૂના અડ્ડા પર શહેર પોલીસતંત્ર દ્વારા વિશેષ ધ્યાન કેન્દ્રીત કરવામાં આવે છે જેના પગલે આ વિસ્તારમાં અવારનવાર સામુહિક દરોડા પાડવામાં આવતા હોય છે આ ઉપરાંત કુખ્યાત બુટલેગરો ઉપર પણ નજર રાખવામાં આવતી હોય છે.
સરદારનગર પોલીસ સ્ટાફ હંમેશા એલર્ટ પર હોય છે આ દરમિયાનમાં પોલીસ સબ ઈન્સ્પેકટર દેસાઈને બાતમી મળી હતી કે કુબેરનગર છારાનગરમાં રહેતા મનોજ ઉર્ફે મનીષ ટેલવાણી તથા મનોજસિંધીની પત્નિ અને નરેશ ઉર્ફે બીડી તથા મનોજ સીંધી નામના બુટલેગરો સફેદ કલરની તથા બ્લ્યુ કલરની વૈભવી કારમાં વિદેશી દારૂનો મોટો જથ્થો લાવી છારાનગર કાળીમાટી કિશોર સ્કુલની બાજુમાં સગેવગે કરવાના છે.
આ બાતમીના આધારે સરદારનગર પોલીસનો મોટો કાફલો પહોંચી ગયો હતો અને બાતમીના સ્થળ પર રેડ કરતા મનોજ ઉર્ફે મનીષ સેવાણી તેની બે વૈભવી ગાડી સાથે ઉભેલો જાવા મળ્યો હતો પોલીસે તેને અટકાવી ગાડીની તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂ તથા બિયરના ટીન મળી કુલ રૂ.૮૪ હજારનો જથ્થો જપ્ત કર્યો હતો આ ઉપરાંત ૯ લાખની બંને વૈભવી કારો પણ પોલીસે કબજે કરી હતી. પોલીસે આ તમામની સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.