મહેસાણાના પાલોદરમાં પત્નીની હત્યા કરનારા પતિને આજીવન કેદ

મહેસાણા, મહેસાણા તાલુકાના પાલોદર ગામે પત્નીને અવારનવાર મારઝૂડ કરીને ત્રાસ આપતા પતિએ દોઢેક વર્ષ પહેલાં પત્નીના માથામાં પાટલી મારી દેતાં તેણીનું મોત નીપજ્યું હતું.
હત્યાની આ ઘટનામાં મહેસાણા સેશન્સ કોર્ટે આરોપી પતિને આજીવન કેદની સજા અને રૂ.૫૦૦૦નો દંડ ફટકાર્યાે છે.મહેસાણા તાલુકાના પાલોદર ગામે મલાઈ માતાના મંદિર પાછળ નવીઓળ ઠાકોરવાસમાં રહેતા અને પ્રેમલગ્ન કરનાર લાલાજી ઈશ્વરજી ઠાકોર કલરકામની મજૂરી અને તેમનાં પત્ની જશોદાબેન ખેત મજૂરી કરતાં હતાં.
બે સંતાનો સાથે રહેતા પરિવારમાં લાલાજી અવારનવાર પત્નીને મારઝૂડ કરતા ત્યારે પડોશી રેખાબેન વિષ્ણુજી ઠાકોર તેમની વચ્ચે પડીને જશોદાબેનને છોડાવતાં હતાં.
રેખાબેનનાં માતા બિમાર થતાં પંદરેક દિવસથી તેઓ સુરત ગયાં હતાં તે દરમિયાન તા.૨૨-૯-૨૩ના રાત્રે ૧૦થી સવારે ૧૦ વાગ્યા દરમિયાન કોઈ સમયે લાલાજી અને જશોદાબેન વચ્ચે ઝઘડો થતાં લાલાજીએ પ્લાસ્ટિકની પાઈપથી માર મારીને જશોદાબેનના માથામાં લાકડાની પાટલી મારી દેતાં તેમનું મોત નીપજ્યું હતું.
મૃતકનું પીએમ કરાવવા સહિતની કાર્યવાહી સાથે લાલાજી વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધાયો હતો.આ કેસમાં સરકારી વકીલ ભરતકુમાર જી. પટેલે કોર્ટ સમક્ષ ૪૮ જેટલા પુરાવા રજૂ કરીને ૨૦ સાક્ષીઓ તપાસ્યા હતા તેમજ દલીલો કરી હતી. જે દલીલો અને પુરાવા ધ્યાને લઈ મહેસાણા સેશન્સ જજ જે.આર.શાહે આરોપી લાલાજી ઈશ્વરજી ઠાકોરને IPC કલમ ૩૦૨માં આજીવન કેદની સજા અને રૂ.૫૦૦૦ દંડ ફટકાર્યાે હતો.SS1MS