શાહરૂખ અને દીપિકાની જોડી ફરી જમાવટ કરશે

મુંબઈ, શાહરૂખ ખાને ૫૮ વર્ષની ઉંમર વટાવ્યા પછી પણ સતત આગેકૂચ જારી રાખી છે. બ્લોકબસ્ટર ફિલ્મો સાથે કમબેક બાદ શાહરૂખે મેટ ગાલામાં ડેબ્યુ કરવાનો નિર્ણય લીધો છે. આ પહેલની ચર્ચા શમે તે પહેલા શાહરૂખ ખાને વધુ એક સરપ્રાઈઝ આપી છે. શાહરૂખ ખાને દીકરી સુહાના માટે બિગ બજેટ ‘કિંગ’ની શરૂઆત કરી છે.
આ ફિલ્મમાં ફરી એક વાર શાહરૂખ અને દીપિકા પાદુકોણની સુપર હિટ જોડી જોવા મળે તેવી શક્યતા છે. શાહરૂખ ખાને સતત કંઈક નવું કરતા રહેવાની અને તેમાં સફળતા મેળવવવાની આદત વિકસાવી છે.
મેટ ગાલામાં શાહરૂખ ખાન સબ્યસાચીની બોલ્ડ ફેશનને રજૂ કરવાના છે. રેડ કાર્પેટ પર જતા પહેલા શાહરૂખે ફિલ્મી જગતમાં હલચલ મચાવી દીધી છે. રોમેન્ટિક ફિલ્મોના બાદશાહ ગણાતા શાહરૂખે છેલ્લી કેટલીક ફિલ્મોથી એક્શન ‘કિંગ’નું સ્થાન મળવ્યું છે. આગામી એક્શન ફિલ્મમાં શાહરૂખે ‘ઓમ શાંતિ ઓમ’ (૨૦૦૭)ની હીરોઈન દીપિકા સાથે જોડી જમાવવાનું નક્કી કર્યું છે.
ડાયરેક્ટર સિદ્ધાર્થ આનંદે ‘કિંગ’નું પ્રિ-પ્રોડક્શન પૂરજોશમાં શરૂ કરી દીધું છે. આ ફિલ્મમાં સુહાના ખાનની સાથે અભિષેક બચ્ચન, અભય વર્મા, અરશદ વારસી અને જયદીપ અહલાવત જેવા જાણીતા કલાકારોને સમાવવામાં આવ્યા છે. શાહરૂખના સ્ટારડમની સાથે હવે ‘કિંગ’માં દીપિકાનું ગ્લેમર પણ ભળી રહ્યું છે. ચર્ચા મુજબ, આ એક્શન ફિલ્મ માટે દીપિકાને ફાઈનલ કરી દીધી છે.
ફિલ્મનું આયોજન થયું ત્યારથી શાહરૂખની ઈચ્છા દીપિકાને લેવાની હતી. જો કે દીપિકા પ્રેગનન્ટ હતી અને પોતાના સંતાન સાથે સમય વીતાવવા માગતી હતી, જેથી વાત અટકેલી હતી.
પ્રેગનન્સી પછી દીપિકાએ જીમમાં જવાનું શરૂ કર્યું અને હવે તે ફરી ફોર્મમાં આવી ગઈ છે. દરમિયાન ‘કિંગ’નું શીડ્યુલ પણ વિલંબમાં મૂકાયુ હતું. જેના કારણે દીપિકાને કાસ્ટમાં સમાવવાની શાહરૂખની ઈચ્છા પૂરી થઈ છે.
‘કિંગ’માં દીપિકા પાદુકોણને ન લાવી શકાય તો શાહરૂખની ઈચ્છા કરીના કપૂર ખાન અથવા કેટરિના કૈફ સાથે ફિલ્મ બનાવવાની હતી. બંને એક્ટ્રેસ સાથે શાહરૂખની ટીમે અનેક વખત મીટિંગ કરી હતી.
જો કે કરીના અથવા કેટરિનામાંથી કોઈ ફાઈનલ થાય તે પહેલા દીપિકાએ કમબેક કરી દીધું છે. સાહરૂખની પહેલી પસંદગી દીપિકા જ હતી. સૂત્રોના જણાવ્યા મુજબ, આ ફિલ્મમાં દીપિકાનો લીડ રોલ નહીં હોય. દીપિકા તેમાં એક્સટેન્ડેડ કેમિયો કરવાની છે.
૧૦-૧૨ દિવસના શૂટિંગમાં દીપિકાના કેરેક્ટરનું શૂટિંગ થઈ જશે. ઓક્ટોબર મહિનામાં ‘કિંગ’ના સેટ પર દીપિકા જોવા મળે તેવી શક્યતા છે. ‘કિંગ’માં અમિતાભ બચ્ચનનો પણ સ્પેશિયલ રોલ હોવાનું કહેવાય છે. આ બાબતે હજુ કોઈ સ્પષ્ટતા થઈ નથી. જો કે દીકરી સુહાનાની ફિલ્મમાં કોઈ કચાશ રાખવાની શાહરૂખની તૈયારી નથી.SS1MS