રાજસ્થાન હિન્દી હાઇસ્કૂલે ધો-૮ના પરિણામ સાથે LC આપી દેતાં હોબાળો

વાલીઓએ ફરિયાદ કરતાં DEOએ સ્કૂલને નોટિસ ફટકારી
વાલીઓ પરિણામ લેવા ગયા ત્યારે સૂચના અપાઈ કે, ધો.૯ના વર્ગ બંધ કરવાના હોવાથી LC લઇ જાવ
અમદાવાદ,
શાહીબાગમાં આવેલી રાજસ્થાન હિન્દી હાઇસ્કૂલમાં ધો.૮માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના વાલીઓ ગુરુવારે પરિણામ લેવા ગયા ત્યારે પરિણામની સાથે એલ.સી. આપી દેવાતાં તેઓએ ભારે હોબાળો મચાવ્યો હતો. આ મુદ્દે વાલીઓ દ્વારા જિલ્લા શિક્ષણાધિકારી કચેરીને ફરિયાદ કરતાં કચેરી દ્વારા સ્કૂલના પ્રિન્સિપાલને નોટિસ આપીને એક દિવસમાં ખુલાસો કરવા તાકીદ કરાઈ હતી. રાજસ્થાન સ્કૂલમાં ધો.૮માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનું ગુરુવારે પરિણામ હોવાથી વાલીઓ અને વિદ્યાર્થીઓ સ્કૂલમાં પરિણામ લેવા ગયા હતા. વાલીઓના કહેવા પ્રમાણે સ્કૂલ સંચાલકો દ્વારા વિદ્યાર્થીઓના પરિણામની સાથે સાથે એલ.સી. પણ આપી દેવાયા હતા.
વાલીઓ દ્વારા આ મુદ્દે રજૂઆત કરવામાં આવતાં સ્કૂલ સત્તાધીશો દ્વારા એવું કહેવામાં આવ્યું હતું કે, આવતા વર્ષે સ્કૂલ બંધ થવાની હોવાથી એલ.સી. આપી દેવાયું છે. હાલમાં સ્કૂલ ચાલુ છે ત્યારે વિદ્યાર્થીઓને એલ.સી. કેમ આપવામાં આવે છે તેવી રજૂઆત સાથે વાલીઓએ ભારે હોબાળો મચાવ્યો હતો. કેટલાક વાલીઓએ આ મુદ્દે જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીમાં ટેલિફોન કરીને ફરિયાદ પણ કરી હતી. ખરેખર સ્કૂલ બંધ થવાના હોય તો નિયમ પ્રમાણે વિદ્યાર્થી-વાલીઓને અગાઉથી જાણ કરવી જોઇએ તેવી કોઇ કાર્યવાહી પણ સ્કૂલ દ્વારા કરવામાં આવી નથી. ધો.૮માં હાલમાં અંદાજે ૨૫૦થી વધારે વિદ્યાર્થી અભ્યાસ કરે છે. તેઓએ હવે આગળ અભ્યાસ માટે કયા જવું તેવો પ્રશ્ન ઊભો થયો હતો.
વાલીઓના કહેવા પ્રમાણે અમારા બાળકો પહેલા ધોરણથી આ સ્કૂલમાં અભ્યાસ કરે છે ત્યારે હવે અચાનક ધો.૯ના વર્ગાે બંધ કરી દેવાના હોવાથી એલ.સી. આપી દેવાતા અમારે કયા જવું તે સમજાતું નથી. વાલીઓ દ્વારા જિલ્લા શિક્ષણાધિકારી કચેરીને ફરિયાદ કરવામાં આવતાં તાકીદે કચેરી દ્વારા સ્કૂલને નોટિસ આપીને ખુલાસો માગવામાં આવ્યો હતો. જેમાં એવી તાકીદ કરવામાં આવી હતી કે, શાળા હાલમાં ચાલુ હોવા છતાં કયા કારણોને લીધે વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાની ના પાડવામાં આવી છે તથા વિદ્યાર્થીઓને એલ.સી. શા માટે આપવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે તે અંગે આગામી એક દિવસમાં કચેરીમાં ખુલાસો કરવા નોટિસ આપવામાં આવી હતી.ss1