માધવનના મતે ૫૫ વર્ષ આસપાસના લોકો સૌથી વધુ રોમેન્ટિક

હોલિવૂડ ફિલ્મ ‘એઝ ગુડ એઝ ઈટ ગેટ્સ’નું ઉદાહરણ આપીને માધવને આ પ્રકારની ફિલ્મો બનાવવાની સંભાવના વ્યક્ત કરી હતી
શાહરૂખ જ રોમાન્સનો રાજા, પરંતુ સમવયસ્ક હીરોઈન પણ હોવી જોઈએ ઃ માધવન
મુંબઈ,
રોમેન્ટિક હીરો તરીકે કરિયરની શરૂઆત કરનારા આર માધવન ફરી એક વખત આ જોનરમાં પરત ફરી રહ્યા છે. આગામી ફિલ્મ ‘આપ જૈસા કોઈ’માં માધવને રોમેન્ટિક રોલ કર્યાે છે. આ ફિલ્મનું ટીઝર શેર કરતી વખતે માધવને શાહરૂખનો ઉલ્લેખ કરતા કહ્યુ હતું કે, ઓન સ્ક્રિન શાહરૂખ ખાન કરતાં વધારે સારી રીતે રોમાન્સને રજૂ કરી શકે તેવું કોઈ નથી. કેટલાક વર્ષાેથી હિન્દી ફિલ્મોમાં રોમાન્સનું મહત્ત્વ ઘટી રહ્યું છે. આ અંગે વાત કરતાં માધવને કહ્યું હતું કે, મુખ્ય ધારાની હિન્દી ફિલ્મોમાં અત્યારે એક્શન અને થ્રિલર છવાયેલા છે. જેથી રોમાન્સ કે પ્રેમની વાત માટે મોકળાશ ઓછી રહી છે.
ખાસ કરીને ઉંમરલાયક હીરોના રોમાન્સની જગ્યા જ રહી નથી. કોરિયન ફિલ્મોમાં રોમાન્સનું વર્ચસ્વ હોય છે પરંતુ ભારતમાં હાર્ડકોર રોમેન્ટિક કહી શકાય તેવી ફિલ્મો જૂજ છે. ૫૫ વર્ષ આસપાસના લોકોની વાત કરીએ તો, તેઓ વિશ્વમાં સૌથી વધારે રોમેન્ટિક હોય છે. જીવનસાથીને કેટલું મહત્ત્વ આપવું તેની તેમને ખબર હોય છે. આ પેઢી એ મારી પેઢી છે. ઓડિયન્સને રોમેન્ટિક સ્ટોરી ગમે છે, પરંતુ આ જોનરમાં અર્થસભર ફિલ્મો આપી શકે તેવા રાઈટરની અછત હોવાનું માધવન માને છે.
હોલિવૂડ ફિલ્મ ‘એઝ ગુડ એઝ ઈટ ગેટ્સ’નું ઉદાહરણ આપીને માધવને આ પ્રકારની ફિલ્મો બનાવવાની સંભાવના વ્યક્ત કરી હતી. ફિલ્મમાં પ્રોફિટની સંભાવના કરતાં વધારે મોટી સમસ્યા સ્ટોરીટેલિંગની છે. સારી સ્ટોરી હોય તો નાણાં આવી જશે. શાહરૂખ જેવો રોમાન્સ કરી શકે તેવું કોઈ નથી, પરંતુ તેના માટે સમવયસ્ક હીરોઈન પણ હોવી જોઈએ. જો કે આ કામ કરવાનું અઘરું છે. ‘આપ જૈસા કોઈ’માં માધવન સાથે ફાતિમા સના શેખ લીડ રોલમાં છે. રોમેન્ટિક સ્ટોરી ધરાવતી આ ફિલ્મ ધર્મેટિક એન્ટરટેઈનમેન્ટે પ્રોડ્યુસ કરી છે અને ઓટીટી પર તે રિલીઝ થવાની છે. ss1