રાજ્યના ગૃહમંત્રીએ લલ્લા બિહારીને ઝડપી પાડવા માટે ૭૨ કલાકનું અલ્ટિમેટમ આપ્યું હતું

ચંડોળા તળાવને મિની બાંગ્લાદેશ બનાવનાર લલ્લા બિહારીની અટકાયત
(એજન્સી)અમદાવાદ, અમદાવાદના ચંડોળા તળાવને મિની બાંગ્લાદેશ બનાવનાર લલ્લા બિહારીની આખરે ધરપકડ થઈ છે. રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કુખ્યાત લલ્લા બિહારીને પકડવા માટે ૭૨ કલાકનું અલ્ટિમેટમ આપ્યું હતુ. ગુજરાત પોલીસે તે પહેલા જ તેને દબોચી લીધો છે.
અમદાવાદ ક્રાઇમ બ્રાંચે લલ્લા બિહારીની રાજસ્થાનમાંથી અટકાયત કરી છે. આ પહેલા તેના પુત્ર ફતેહની પણ ક્રાઇમ બ્રાંચે ધરપકડ કરીને રિમાન્ડ મેળવ્યા છે. અમદાવાદ પોલીસે લલ્લાના ગોડાઉન તેમજ ઘરમાં તપાસ કરીને તેની પત્નીઓ અને પુત્રવધુની પૂછપરછ કરી હતી. પોલીસને લલ્લાના ઘર અને ગોડાઉનની તપાસ દરમિયાન લાખોની વસ્તુઓ સહિત વિવિધ બેંકની પાસબુક પણ મળી આવી છે.
આ સર્ચ દરમિયાન ૯ લાખ રોકડ રકમ, સોનાના દાગીના, હિસાબી ચોપડા, બેંકની પાસબુક સહિતની વસ્તુઓ મળી આવી છે. આ સાથે જ ઈસનપુર અને દાણીલીમડામાં પણ પોલીસે તપાસ હાથ ધરી હતી.
ક્રાઈમ બ્રાન્ચના ડીસીપી અજિત રાજીયાને થોડા દિવસ પહેલા આ કેસની માહિતી આપતા જણાવ્યું હતુ કે, લલ્લાભાઈ અને ફતેહ – આ પિતા પુત્ર રાજસ્થાનના વતની છે. પહેલા આ બિહાર બાજુ પણ રહીને આવ્યો છે. ત્યાંથી પિતા અને પુત્ર શીખીને આવ્યા હતા કે, આર્થિક લાભ કઈ રીતે લઈ શકાય. અહીં આવીને ધીમે ધીમે તેમનું વર્ચસ્વ વધતું ગયું.
તેમની સામે કેટલીક અરજીઓ દાખલ થયેલી છે. લલ્લાભાઈ વિરુદ્ધ ગુના પણ દાખલ છે. ધીમે ધીમે આ લોકોની આ વિસ્તારમાં માથાભારે તરીકેના ઇસમ તરીકેની છાપ ઊભી કરી હતી. જે કોઈ લોકો તેમની પાસે આવતા હતા તેમના માટે ગેરકાયદેસર વસવાટ કરવા હેતુ ભાડાની ઉઘરાણી કરતા હતા. આ ભાડા અને પૈસાનો હિસાબ રાખતા હતા તે પુરાવા પણ અમને મળ્યા છે.
તેમણે વધુમાં જણાવ્યું હતુ કે, દેહ વેપાર અંગે પણ અમને પુરાવા મળ્યા છે. જેથી રિમાન્ડમાં આ મુદ્દે પણ પૂછપરછ કરવામાં આવશે. આ કેસમાં પાંચ મુખ્ય આરોપી છે જેમાં બે મુખ્ય આરોપી લલ્લાભાઈ અને તેમના પુત્ર ફતેહ છે. વીસેક વર્ષથી તેઓ અહીં રહે છે. એમના ત્રણ મકાન મળ્યા છે. તેમની મિલકત પર કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.