રામબનમાં સેનાનું વાહન ખાઈમાં ખાબકતાં ભારતના ૩ જવાન શહીદ

#jammukashmir #ramban #armyvehicle #armyvehiclefellditch #rambanaccident
(એજન્સી)જમ્મુ, જમ્મુ-કાશ્મીરના રામબન જિલ્લામાં રવિવારે એક મોટો અકસ્માત થયો. સેનાની એક ગાડી લગભગ ૬૦૦ મીટર ઊંડી ખાઈમાં ખાબકી હતી. આ દુઃખદ અકસ્માતમાં ત્રણ સૈનિકો શહીદ થયા છે. સેના અને સ્થાનિક વહીવટીતંત્રની ટીમો ઘટનાસ્થળે પહોંચી છે અને બચાવ કામગીરી હાથ ધરી છે. અકસ્માતના કારણની તપાસ ચાલુ છે.
મળતી માહિતી મુજબ, ભારતીય સેનાનો કાફલો રાષ્ટ્રીય ધોરીમાર્ગ ૪૪ પર જમ્મુથી શ્રીનગર જઈ રહ્યો હતો. ત્યારે આ અકસ્માત બેટરી ચશ્મા વિસ્તાર નજીક સવારે ૧૧ઃ૩૦ વાગ્યે થયો હતો. ભારતીય સેના, જમ્મુ અને કાશ્મીર પોલીસ, જીડ્ઢઇહ્લ અને સ્થાનિક સ્વયંસેવકોએ બચાવ કામગીરી શરૂ કરી, જે હજુ પણ ચાલુ છે. આ અકસ્માતમાં ત્રણ સૈનિકોના મોત થયા છે, જેમની ઓળખ અમિત કુમાર, સુજીત કુમાર અને માન બહાદુર તરીકે થઈ છે.
સેનાના જવાનો વાહનમાં પોતાની પોસ્ટ તરફ જઈ રહ્યા હતા ત્યારે ડ્રાઈવરે કાબુ ગુમાવ્યો અને આ અકસ્માત થયો હોવાની માહિતી સામે આવી છે. વાહનમાં કુલ ૧૦ સૈનિકો મુસાફરી કરી રહ્યા હતા.
આ વિસ્તાર પર્વતીય છે, જેના કારણે રાહત કાર્યમાં પણ પડકારો ઉભા થયા હતા. હાલમાં ઘટનાની તપાસ ચાલી રહી છે. ડિસેમ્બર ૨૦૨૪ની શરૂઆતમાં જમ્મુ અને કાશ્મીરના પૂંછ જિલ્લાના મેંઢર સબ-ડિવિઝનના બાલનોઈ વિસ્તારમાં ભારતીય સેનાનું એક વાહન ૩૦૦ ફૂટ ઊંડી ખીણમાં પડી ગયું હતું. આ અકસ્માતમાં પાંચ સૈનિકોના મોત થયા હતા જ્યારે પાંચ અન્ય ગંભીર રીતે ઘાયલ થયા હતા.
બીજી તરફ, પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ જમ્મુ અને કાશ્મીર પહેલાથી જ સમાચારમાં છે. દરમિયાન આ અકસ્માત ચિંતાજનક છે. દરમિયાન, એવા સમાચાર છે કે ભારતીય વાયુસેનાના વડા એર ચીફ માર્શલ અમરપ્રીત સિંહ હાલમાં દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળી રહ્યા છે.
એર માર્શલ સિંહ પીએમ મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગથી બેઠક માટે રવાના થયા. બેઠકના એજન્ડા વિશે સત્તાવાર માહિતી હજુ ઉપલબ્ધ નથી. બીજી તરફ, પાકિસ્તાની સેનાએ જમ્મુ અને કાશ્મીરના કુપવાડા, બારામુલ્લા, પૂંછ, રાજૌરી, મેંધાર, નૌશેરા, સુંદરબની અને અખનૂરની સામે નિયંત્રણ રેખા પર કોઈપણ ઉશ્કેરણી વિના નાના હથિયારોથી ગોળીબાર કર્યો હતો.