ચંડોળા તળાવની આસપાસ ઊભા કરી દેવાયેલા ઝૂપડાંઓમાં સર્વેની કામગીરી ચાલુ છેઃ હર્ષ સંઘવી

બંગાળમાંથી નક્લી ડોક્યુમેન્ટના આધારે બાંગ્લાદેશીઓ ભારતના નાગરિક બની જાય છેઃ ગૃહરાજ્યમંત્રી
(એજન્સી)અમદાવાદ, બાંગ્લાદેશી ઘૂસણખોરો મુદ્દે હર્ષ સંઘવીએ જણાવ્યુ કે બાંગ્લાદેશી ઘૂસણખોરો ભારતમાં આવીને ભારતના નાગરિક બની જાય છે તેની પાછળ બીજુ કોઈ નહીં પરંતુ ખુદ બંગાળની મમતા સરકાર જવાબદાર છે.
બંગાળમાંથી નક્લી ડોક્યુમેન્ટના આધારે બાંગ્લાદેશીઓ ભારતના નાગરિક બની જાય છે. ગુજરાત પોલીસની ત્રણ ટીમ બંગાળમાં કામ કરી રહી છે . જે લોકો કાયદેસર રીતે રહે છે તેમને કોઈ તકલિફ નહીં પડે.
બાંગ્લાદેશી ઘૂસણખોરો મદદ કરનારાઓને હર્ષ સંઘવીએ ચેતવણીના સૂરમાં જણાવ્યુ છે કે હજુ તો આ શરૂઆતના મહોરા ઝડપાયા છે. આગામી સમયમાં બીજા લોકોનો વારો આવશે. ગેરકાયદે વસેલા લોકોને પહેલા તો નોકરી જ નહીં મળે. બાંગ્લાદેશીઓને ગેરકાયદે રીતે નોકરી આપનારાઓ સામે કાર્યવાહી થશે.
તેમણે કહ્યુ કે આ ઘૂસણખોરોને લાવનારા એજન્ટો ન માત્ર ગુજરાત પરંતુ દેશ છોડીને ભાગી છૂટ્યા છે. ગુજરાતમાં ઘૂસણખોરો સામે કાર્યવાહી મુદ્દે ગૃહરાજ્યમંત્રીએ મોટુ નિવેદન આપતા જણાવ્યુ કે એકપણ બાંગ્લાદેશીને છોડવામાં નહીં આવે. બાંગ્લાદેશી ઘૂસણખોરોને શોધી-શોધીને તેમને ડિપોર્ટ કરવામાં આવશે.
ચંડોળા તળાવના ડિમોલિશન અંગે તેમણે જણાવ્યુ કે હાલ તળાવનું કામ ૩ ફેઝમાં ચાલી રહ્યું છે, જેમા પ્રથમ ફેઝમાં ૧.૫ લાખ ચોરસ મીટર જગ્યા ખાલી કરવામાં આવી છે. બીજા ફેઝમાં જમીન પર કબજો કરનારા અસામાજિક તત્ત્વો સામે કાર્યવાહી થશે. તળાવની આસપાસમાં ઉભા કરી દેવાયેલા ઝૂંપડાઓમાં પણ સર્વેની કામગીરી ચાલુ છે.