પહેલગામ નહીં, શ્રીનગરમાં ટુરિસ્ટો પર હુમલાની ગુપ્તચર માહિતી મળી હતીઃ અહેવાલ

શ્રીનગર, પહેલગામમાં આતંકી હુમલા પહેલા ગુપ્તચર બ્યૂરો (આઇબી) અને બીજી એજન્સીઓ ૧૯ એપ્રિલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાતની આસપાસ શ્રીનગરમાં પ્રવાસીઓ પર સંભવિત હુમલાનો સામનો કરવા સ્થાનિક સુરક્ષા અધિકારીઓને તૈયાર રહેવા એલર્ટ કર્યા હતાં. જોકે આ ગુપ્તચર માહિતીમાં પહેલગામમાં પ્રવાસીઓ પર હુમલાનો ચોક્કસ ઉલ્લેખ કરાયો ન હતો.
આઇબીના એલર્ટને પગલે શ્રીનગર અને તેની આસપાસ સુરક્ષામાં વધારો કરાયો હતો. પ્રવાસીઓમાં લોકપ્રિય ઘણી હોટલો અને શહેરથી ૨૨ કિમી દૂર આવેલા દાચીગામ નેશનલ પાર્ક સહિતના ટુરિસ્ટ સ્પોટ પર પણ સુરક્ષામાં વધારો કરાયો હતો.
જોકે ખરાબ હવામાનને કારણે પીએમ નરેન્દ્ર મોદીની મુલાકાત રદ થઈ હતી. બીજી તરફ ત્રાસવાદીઓએ ૨૨ એપ્રિલે શ્રીનગરથી ૯૦ કિમી દૂર પહેલગામમાં હુમલો કરી ૨૬ પ્રવાસીઓની હત્યા કરી હતી.
પીએમની મુલાકાત દરમિયાન શ્રીનગરના ટુરિસ્ટ સ્થળ પર હુમલા માટે તૈયાર રહેવા આર્મી અને નાગરિક સુરક્ષા અધિકારીઓને સૂચના અપાઈ હોવાની બાબતને પુષ્ટિ આપતા એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે દસમાંથી નવ વખત તેમને કંઈ જ મળતું નથી, પણ પ્રવાસીઓ પર હુમલાનો એલર્ટ સાચો સાબિત થયો હતો.
પોલીસ મહાનિર્દેશક નલિન પ્રભાત ચાર દિવસ શ્રીનગરમાં રોકાયા હતાં અને શ્રીનગરની આસપાસના તમામ વિસ્તારો પર નજર રાખી હતી. જોકે ૨૨ એપ્રિલે ત્રાસવાદીઓ હુમલો કર્યા ત્યારે તેઓ જમ્મુ પહોંચ્યા હતાં અને તરત પરત આવવું પડ્યું હતું. મોટાભાગના અધિકારીઓએ જણાવ્યું હતું કે તેમને મળેલી કોઈપણ ગુપ્તચર માહિતીમાં પહેલગામનો કોઈ ચોક્કસ ઉલ્લેખ કરાયો ન હતો.
જોકે હવે એ સ્પષ્ટ થઈ ગયું છે કે પીએમની મુલાકાત રદ થયા પછી આતંકવાદીઓ સુરક્ષા એજન્સીઓની નજરની બહાર રહ્યાં હતાં અને આગામી તકની રાહ જોઇ હતી. મોદીની મુલાકાત રદ થયા પછી અમેરિકાના વાઇસ પ્રેસિડન્ટ જે ડી વેન્સની ભારત મુલાકાતને પુષ્ટી મળી હતી. અધિકારીઓે જણાવ્યું હતું કે બૈસરનમાં હુમલાની આગાહી કરવામાં અસમર્થતા એક ભૂલ હતી.
આતંકવાદીઓમાંના બે સ્થાનિક માણસોએ પ્રવાસીઓને એક બાજુ ધકેલી દીધાં હતાં. બે વિદેશી ત્રાસવાદીઓએ ફાયરિંગ કર્યું હતું. આ સ્થળ પર માત્ર એજ એક્ઝિટ અને એન્ટ્રી પોઇન્ટ હોવાથી પ્રવાસીઓ માટે હુમલાખોરોથી બચવું મુશ્કેલ બન્યું હતું.SS1MS