Western Times News

Gujarati News

૨ રૂપિયાના ભ્રષ્ટાચારના કેસમાં ૨૦ વર્ષે સુપ્રીમ કોર્ટનો ચુકાદો

નવી દિલ્હી, સુપ્રીમ કોર્ટમાં માત્ર બે રૂપિયાના ભ્રષ્ટાચારનો એક મામલો પહોંચ્યો હતો. બે દસકા પહેલા વર્ષ ૨૦૦૩માં સ્ટેમ્પ પેપર માટે માત્ર બે રૂપિયા વધુ લઇ લીધા હતા, જે બદલ તેની સામે ભ્રષ્ટાચારનો કેસ થયો હતો અને ટ્રાયલ કોર્ટે ૨૦૦૮માં સજા આપી હતી, હાઈકોર્ટે પણ સજા યોગ્ય ઠેરવી હતી. જો કે સુપ્રીમ કોર્ટે આ સજાને રદ કરીને આરોપીને મૂક્ત કરી દીધો હતો.

સુપ્રીમ કોર્ટ સમક્ષ એ સવાલ ઉપસ્તિત થયો હતો કે શું સ્ટેમ્પ વેન્ડર જાહેર કર્મચારી કહેવાય? અને તેની સામે ભ્રષ્ટાચાર વિરોધી કાયદા હેઠળ કાર્યવાહી થઈ શકે? સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, ‘સ્ટેમ્પ વેન્ડર પબ્લિક સર્વન્ટ કહેવાય, જો કે બે દસકો જુના આ કેસમાં સ્ટેમ્પ વેન્ડરને બે રૂપિયા લાંચ તરીકે લેવા બદલ ટ્રાયલ કોર્ટ દ્વારા જે સજા અપાઈ હતી તેને રદ કરી દીધી હતી.

આ ઘટના જનકપુરીની સબ-રજિસ્ટ્રારની ઓફિસમાં ૯ ડિસેમ્બર, ૨૦૦૩ના રોજ સામે આવી હતી. એક સ્ટેમ્પ વેન્ડરે ૧૦ રૂપિયાના સ્ટેમ્પ પેપરના રૂ. ૧૦ ના બદલે ૧૨ રૂપિયા માગ્યા હતા. તેને કેમિકલ લગાવેલી ચલણી નોટો અપાઈ હતી, બાદમાં ભ્રષ્ટાચાર વિરોધી કાયદા હેઠળ તેની ધરપકડ કરાઈ હતી અને પીસી કાયદા હેઠળ કાર્યવાહી થઇ હતી.

વર્ષ ૨૦૦૮માં ટ્રાયલ કોર્ટે તેને પબ્લિક સર્વન્ટ ગણાવી દોષિત ઠેરવી એક વર્ષની કેદ અને એક હજાર રૂપિયાનો દંડ કર્યાે હતો. દિલ્હી હાઈકોર્ટને મામલાનો નિકાલ કરવામાં ૬ વર્ષ લાગ્યા હતા અને સજાને યોગ્ય ઠેરવી હતી.

બાદમાં સુપ્રીમ કોર્ટમાં અપીલ ૧૧ વર્ષ પેન્ડિંગ રહી હતી. સુપ્રીમે કહ્યું હતું કે આરોપો સાબિત કરવામાં તપાસ અધિકારી નિષ્ફળ રહ્યા છે માટે પુરાવાના અભાવે સ્ટેમ્પ વેન્ડરને છોડવામાં આવે છે. જોકે સુપ્રીમે એવી સ્પષ્ટતા કરી હતી કે સ્ટેમ્પ વેન્ડર જાહેર સેવક કહેવાય.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.