૫ દિવસ માટે લગ્નપ્રસંગમાં જવાનું કહીને ગઠિયો કાર લઈ રફુચક્કર

અમદાવાદ, રામોલમાં ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ માલિક પાસેથી ગઠિયો પાંચ દિવસ માટે લગ્નપ્રસંગમાં કાર ભાડે લઇ જવાનું કહીને રફુચક્કર થઈ ગયો હતો.ગઠિયાએ વેપારીને બજાર કરતા વધારે એટલે ૨૫ દિવસનું ૫૦ હજાર ભાડું ચૂકવ્યું હતું. વાયદા મુજબના દિવસો વીતિ જતા વેપારીએ ગ્રાહકને ફોન કરતા ફોન કરતા બંધ આવતો હતો.
ઘરે જઈને તપાસ કરતા તાળું લટકતું હતું. ગઠિયો અન્ય યુવક પાસેથી પણ આ રીતે કાર લઇને ફરાર થયો છે. આ અંગે વેપારીએ ગઠિયા સામે રામોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ આરંભી છે.
રામોલમાં રહેતા કિશનભાઇ સુથાર ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સની ઓફિસ ધરાવી ગાડી ભાડે આપવાનો ધંધો કરે છે. ૭ જાન્યુઆરી, ૨૦૨૫માં તેઓ ઘરે હતા તે સમયે અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો અને પોતે વસ્ત્રાલથી ભરત પટેલ બોલતો હોવાનું જણાવ્યું હતું. કાર ભાડે જોઇએ છે તેમ કહ્યું હતું.
બીજા દિવસે ભરતે ફરી ફોન કર્યાે અને ગાડી લઇને સીટીએમ શકરીબા ગાર્ડન પાસે બોલાવ્યો હતો. કિશન મિત્ર જિજ્ઞેશ સાથે ઇકો સ્પોર્ટસ કાર લઇને ગાર્ડન પાસે ગયો હતો. ત્યાં ભરત અને અજાણ્યો શખ્સ હતા. ભરતે મારે લગ્નપ્રસંગમાં જવાનું છે તો પાંચ દિવસ માટે કાર ભાડે જોઇએ છે અને રોજનું રૂપિયા ૨ હજાર ભાડું આપીશ તેમ કહ્યું હતું. કિશનભાઇએ ડોક્યુમેન્ટ અને રૂપિયા ૧૦ હજાર લીધા હતા.
પાંચ દિવસ પૂર્ણ થતા ભરતને ફોન કરતા મારે હજુ કારની જરૂરિયાત છે હું ઓનલાઇન ભાડું ચૂકવી આપીશ કહીને ૨૫ દિવસનું કુલ રૂપિયા ૫૦ હજાર ભાડું ચૂકવી આપ્યું હતું. ત્યારબાદ ભરતને ફોન કરતા બંધ આવતો હતો.
તેના ઘરે તપાસ કરતા તાળું લટકતું હતું. ગાડી લઇ જનારની વધુ તપાસ કરતા જાણવા મળ્યું હતું કે અગાઉ આજ પ્રકારે એક વેપારીની ગાડી લઈને ભરત ફરાર થયો હતો. કિશનભાઈએ રામોલ પોલીસ સ્ટેશનમાં ભરત પટેલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.SS1MS