Western Times News

Gujarati News

ગુજરાત ઔષધીય વનસ્પતિ બોર્ડ દ્વારા ‘ઔષધીય વનસ્પતિ ખેતી’ વિષયક ગુજરાતના ફેસીલીટેટર્સ માટે એક દિવસીય કાર્યશાળા સંપન્ન

ગુજરાતના ખેડૂતોની આવક બમણી થાય તેવા ઉમદા હેતુથી સરકારી વનસ્પતિ ઉદ્યાન, ગાધીનગર ખાતે ગુજરાત ઔષધીય વનસ્પતિ બોર્ડ, ગાંધીનગર દ્વારા તાજેતરમાં ‘ઔષધીય વનસ્પતિ ખેતી’ વિષય પર ગુજરાતના ફેસીલીટેટર્સની એક દિવસીય કાર્યશાળા યોજાઇ હતી.

આ કાર્યશાળામાં લીંડીપીપર, ઇસબગુલ, કુંવારપાઠું, બ્રાહ્મી, અસાડીયો, ડોડી, શતાવરી, ગળો, તુલસી, ગુગળ, સફેદ મુસળી, આમળા જેવી ઔષધીય વનસ્પતિની ખેતી માટે ગુજરાતના ફેસીલીટેટર્સને પ્રોત્સાહન અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં ગુજરાત ઔષધીય  વનસ્પતિ બોર્ડ, ગાંધીનગરના મુખ્ય કારોબારી અધિકારી ડૉ. જગદીશ પ્રસાદે ‘ઔષધીય વનસ્પતિની ખેતી’ વિષય પર માર્ગદર્શન આપતાં જણાવ્યું હતું કે, બોર્ડ  દ્વારા અમલી ખેડૂતો માટેની સમૂહ વાવેતર યોજના અંતર્ગત રાજ્યોના વિવિધ ભાગોમાં ઔષધીય વનસ્પતિઓની ખેતી માટે ખેડૂતોને સબસીડી આપવામાં આવે છે.

શ્રી પ્રસાદે વિવિધ યોજનાઓની માહિતી આપતાં જણાવ્યું હતું કે, ફેસીલીટેટર્સ દ્વારા આ પ્રકારના કલસ્ટર કલ્ટીવેશન કાર્યમાં ખેડૂતો પસંદ કરવા, ઔષધીય ખેતીની સમજ અને માર્ગદર્શન આપવું તથા ખેતી કરાવવા સુધીના કાર્યો હાથ ધરવામાં આવે છે જેના માટે બોર્ડ દ્વારા ફેસીલીટેટર્સને વિવિધ સહાય પણ પૂરી પાડવામાં આવે છે.

આ કાર્યક્રમમાં બોર્ડના ટેકનીકલ ઓફિસર શ્રી હેમંત સુથારે ફેસીલીટેટર્સની ફરજો તથા ઔષધીય ખેતીની આવશ્યકતા વિષય પર માર્ગદર્શન આપ્યું હતું. આ કાર્યક્રમમાં રાજ્યના ૪૦ ફેસીલીટેટર્સ, ટેકનીકલ નિષ્ણાંતો અને અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા તેમ, ગુજરાત ઔષધીય વનસ્પતિ બોર્ડ, ગાંધીનગરની યાદીમાં જણાવાયું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.