કંધાર હાઇજેકિંગ સમયે મસૂદ અઝહર સાથે મુક્ત કરવામાં આવેલો મુશ્તાક જ પહલગામ હુમલાનો માસ્ટર માઈન્ડ

રાષ્ટ્રીય તપાસ એજન્સીએ (NIA) આ હુમલા પાછળ અલ ઉમર મુજાહિદ્દીનના વડા મુશ્તાક અહેમદ જરગરનો માસ્ટર માઈન્ડ હોવાનો દાવો કર્યો છે.
(એજન્સી)નવી દિલ્હી, પહલગામ આતંકવાદી હુમલાની તપાસ કરી રહેલી રાષ્ટ્રીય તપાસ એજન્સીને એક મોટો સંકેત મળ્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, પહલગામ આતંકવાદી હુમલાની તપાસ કરી રહેલી રાષ્ટ્રીય તપાસ એજન્સીએ આ હુમલા પાછળ અલ ઉમર મુજાહિદ્દીનના વડા મુશ્તાક અહેમદ જરગરનો માસ્ટર માઈન્ડ હોવાનો દાવો કર્યો છે. એનઆઈએ તપાસમાં જાણવા મળ્યું છે કે તેના સમર્થકોએ પહલગામ હુમલાના ઓવરગ્રાઉન્ડ વર્કર્સને મદદ કરી હતી. Mushtaq Ahmed Zargar, head of Al Umar Mujahideen
મુશ્તાક અહેમદ જરગર આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદનો ઓપરેશનલ કમાન્ડર છે અને ૨૦૧૯ના પુલવામા હુમલાનો આરોપી પણ છે. મુશ્તાક જરગરને કંધાર હાઇજેકિંગ ઘટનામાં મૌલાના મસૂદ અઝહર સાથે મુક્ત કરવામાં આવ્યો હતો.
સૂત્રોના જણાવ્યા અનુસાર, મુશ્તાક જરગર હાલમાં પાકિસ્તાનમાં છે, પરંતુ શ્રીનગરનો હોવાથી, તેમનો ઓવરગ્રાઉન્ડ કાર્યકરો અને તેમના સમર્થકોમાં પ્રભાવ હોવાનું કહેવાય છે. એટલા માટે પહલગામ આતંકવાદી હુમલામાં જરગરની ભૂમિકાની પણ તપાસ કરવામાં આવી રહી છે.
જરગરના આતંકવાદી સંગઠન પર ભારત સરકાર દ્વારા પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અને ૨૦૨૩ માં એનઆઈએ દ્વારા તેનું ઘર જપ્ત કરવામાં આવ્યું હતું. ૧૯૯૯માં નેપાળથી ઇન્ડિયન એરલાઇન્સનું પ્લેન હાઇજેક કરવામાં આવ્યું હતું. આતંકવાદીઓ તેને કાઠમંડુથી અમૃતસર અને લાહોર અને પછી અફઘાનિસ્તાનના કંધાર લઈ ગયા હતા. આ પ્લેનમાં ૧૭૮ મુસાફરો સવાર હતા.