આયુષ્યમાન કાર્ડ થકી સિકલસેલ ગ્રસ્ત આ મહિલાની ડિલિવરી વિનામૂલ્યે થઇ

આયુષ્માન કાર્ડની મદદથી શિલ્પાબેન અને તેમના નવજાત બાળકને મળ્યું નવજીવન -મને સિકલસેલ રોગ છે એની જાણ નહોતી પણ આરોગ્યની ટીમે મને મદદ કરી મારી સારવાર પણ વિનામુલ્યે થઇ-લાભાર્થી શિલ્પાબેન મુનિયા
(માહિતી) દાહોદ, આરોગ્ય એ મનુષ્યના જીવનનો એક મહત્વપૂર્ણ ભાગ છે. રાજ્યના પ્રત્યેક નાગરિકને સરળતાથી અને સત્વરે ઉત્તમ આરોગ્યલક્ષી સેવાઓ ઉપલબ્ધ કરાવવા માટે રાજ્ય સરકારના આરોગ્ય વિભાગની ટીમ સતત કાર્યશીલ રહી છે. દાહોદ જિલ્લા જેવા આદિવાસી અને ગુજરાતની સરહદ પર આવેલ વિસ્તારના લોકોની પણ ચિંતા સરકાર દ્વારા કરવામાં આવી રહી છે,
જે આરોગ્ય વિભાગની ટીમ થકી ગામે ગામ જઈને છેવાડાના લોકોને પણ આરોગ્ય વિષયક ચેક અપ કરવા સહિત સારવાર માટેનું કાઉન્સેલિંગ કરીને નાગરિકોને નજીકના સરકારી દવાખાને લઇ જઈને વિના મુલ્યે સારવાર કરાવવા માટે પ્રોત્સાહિત કરવા સાથે તમામ પ્રકારની મદદ કરી રહી છે.
દાહોદ જિલ્લાની વાત આવે એટલે બેરોજગાર, ગરીબ, ઓછું શિક્ષણ ધરાવતા અને આર્થિક રીતે પછાત આદિવાસી લોકોનું ચિત્ર નજર સામે આવી જ જાય. અહીં વાત કરીએ છીએ દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકામાં આવેલ ગરાડું ગામના રહેવાસી અને ૨૬ વર્ષીય શિલ્પાબેન મુનીયાની. હા, શિલ્પાબેન પોતે સગર્ભા હતા. પરંતુ તેમને જાણ નહોતી કે, તેઓ પોતે સિકલસેલ રોગ ધરાવે છે. જે બાબત તેમના પોતાના માટે તેમજ આવનાર બાળક માટે પણ અતિ જોખમી બની શકે તેમ હતી.
ગરાડું ખાતે આવેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે તેઓ જ્યારે લેબોરેટરી તપાસ માટે ગયા તે સમયે તેઓ સિકલસેલ પોઝિટીવ આવતા ત્યાની આરોગ્ય ટીમ દ્વારા તેમનું બ્લડ સેમ્પલ કલેકશન કરીને ૐઁન્ઝ્ર તપાસ માટે સબ ડિસ્ટ્રીક હોસ્પિટલ, ઝાલોદ ખાતે મોકલવામાં આવ્યું હતું, જેની તપાસ દરમિયાન રીપોર્ટ આવ્યા કે, શિલ્પાબેનને સિકલસેલ ડીસીઝ રોગ છે.
આરોગ્ય ટીમ દ્વારા આ બાબતની જાણ થતાં જ તેમની હોમ વિઝીટ કરીને જરૂરી માર્ગદર્શન તેમજ સલાહ-સૂચન કરવામાં આવ્યું હતું. હા, શિલ્પાબેન પોતે તેમજ તેમના પરિવારના કોઇપણ સભ્યો આ બાબતને સ્વીકારવા કે માનવા તૈયાર નહોતા. તેમનું એવું કહેવું હતું કે, મને એવી કોઇપણ પ્રકાની બીમારી નથી જ. ત્યાર બાદ તેનું અને તેના કુટુંબનું આરોગ્ય વિભાગની ટીમ તેમજ કાઉન્સીલર દ્વારા કાઉન્સિલિંગ કરવામાં આવી હતી. સાથે લાભાર્થી અને તેના પરિવારના સભ્યોને આરોગ્યલક્ષી શિક્ષણ પણ આપવામાં આવ્યું હતું.
સિકલસેલ રોગમાં કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જેમ કે, ડિલિવરી ક્યાં કરાવવી, ડિલિવરી પછી પણ કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું એ તમામ બાબતોની જાણકારી અને માર્ગદર્શન આપીને તેમને ડિલિવરી સમયે કોઈ પણ પ્રકારનું જોખમ ઊભુ ના થાય તે માટે ઝાયડસ હોસ્પિટલ ખાતે ડિલિવરી કરાવવા સમજણ આપી હતી.
તેઓ પોતે આ રોગ વિષે પ્રાથમિક જાણકારી પણ નહોતા ધરાવતા હતા જેથી તેમને લાગ્યું કે આ રોગની સારવાર તેમજ ડીલીવરી માટે ઘણો જ ખર્ચ થશે, પરંતુ આયુષ્યમાન કાર્ડ થકી શિલ્પાબેનની સારવાર વિના મુલ્યે થતા તેમણે સરકારશ્રીને આવું કાર્ડ આપવા બદલ હ્રદય પૂર્વક આભાર માન્યો હતો.
સરકારશ્રીની ગાઈડ લાઇન મુજબ સિકલસેલ ડીસીઝ શિલ્પાબેનની ડિલિવરી ઝાયડસ હોસ્પિટલ ખાતે જ કરાવવી પડશે એ બાબતને તેમણે છેવટે સ્વીકારતા તેઓએ પોતાની તપાસ પણ ઝાયડસ હોસ્પિટલ ખાતે કરાવી હતી.
ડિલિવરી સમયે પણ સમયસર ઝાયડસ હોસ્પિટલ પહોચી જતાં ડિલિવરી દરમિયાન એક યુનિટ બ્લડ ચડાવતા સફળ રીતે ડિલિવરી થઈ હતી. ડીલીવરી બાદ માતા અને બાળક બંને તંદુરસ્ત હતા. ત્યારબાદ સાત દિવસ ઝાયડસમાં સારવાર લીધા બાદ આઠમા દિવસે તેઓ ખુશી-ખુશી પોતાન ઘરે પહોચ્યા હતા.
આરોગ્ય વિભાગની ટીમ દ્વારા શિલ્પાબેનને સિકલસેલ બાબતે સંપૂર્ણ માહિતી આપ્યા બાદ હવે તેઓ દરરોજ તેમજ સમયસર દવા લે છે અને સિકલસેલ રોગ અંગે જે કઈ રાખવાની થતી સાવચેતી તેમજ અન્ય જરૂરી તમામ નિયમોનું પાલન કરી રહ્યા છે અને સાથોસાથ તેમના પરિવારે આરોગ્ય વિભાગ થકી કરવામાં આવતી દરકાર અને આપવામાં આવતી વિનામૂલ્યે સેવાઓ માટે આભાર વ્યક્ત કર્યો હતો.