ભારત સાથે ટ્રેડ ડીલમાં યુએસ ટેરિફ ઘટાડા અને નિયમનકારી સુધારાની માંગ કરશે

નવી દિલ્હી, ભારત સાથેની સૂચિત દ્વિપક્ષીય વેપાર સમજૂતીમાં અમેરિકા ભારતની વેપાર નીતિમાં ધરમૂળથી ફેરફારની માગણી કરે તેવી શક્યતા છે. અમેરિકની કંપનીઓ અને નિકાસકારોના લાભ માટે તે ટેરિફમાં ઘટાડાથી લઈને નિયમનકારી માળખામાં ફેરફારની માગણી કરી શકે છે.
ગ્લોબલ ટ્રેડ રિસર્ચ ઇનિશિયેટિવ જણાવ્યું હતું કે કૃષિ ક્ષેત્રમાં અમેરિકાની માગણીઓમાં ચોખા અને ઘઉં જેવા પાક માટે ભારતના લઘુત્તમ ટેકાના ભાવ કાર્યક્રમોને પાછા ખેંચી લેવાની, જેનેટિકલી મોડિફાઇડ (જીએમ) પાકની આયાતના નિયંત્રણો દૂર કરવાની તથા કૃષિ પેદાશોની ટેરિફમાં ઘટાડાનો સમાવેશ થાય છે.
ડેરી ક્ષેત્રમાં અમેરિકાની દલીલ છે કે જીએમ-મુક્ત આહાર પ્રમાણપત્ર અને ફેસિલિટી રજિસ્ટ્રેશન પ્રોટોકોલથી અમેરિકન ડેરી પ્રોડક્ટ્સ પર ભારતમાં પ્રતિબંધ જેવી સ્થિતિ છે. જોકે ભારત આ નીતિને બિન-વાટાઘાટોપાત્ર માને છે.
જીટીઆરઆઈના સ્થાપક અજય શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે અમેરિકા એમેઝોન અને વોલમાર્ટ જેવી યુએસ રિટેલ જાયન્ટ્સ કંપનીઓ પરના નિયંત્રણો હળવા કરવાની પણ માંગ કરી શકે છે.
ભારતમાં હાલમાં આવી કંપનીઓ પર ઇન્વેન્ટરીના સંદર્ભમાં ઘણા નિયંત્રણો છે અને આ કંપનીઓએ મોટાભાગે સ્થાનિક પ્રોડક્ટ્સની ખરીદી કરવી પડે છે. ભારત આ નિયમોને હળવા કરવાનો હંમેશા વિરોધ કરતું આવ્યું છે કે કારણ કે અમેરિકાની કંપનીઓ સામે ભારતના સ્થાનિક રિટેલર્સ માટે સ્પર્ધાનો સામનો કરવાનું મુશ્કેલ છે.
ભારતની રિમેન્યુફેક્ચરિંગ અને સેકેન્ડ હેન્ડ કેપિટલ ગૂડ્સ પ્રોડક્ટ્સ માટેની લાઇસન્સ જરૂરિયાતની પણ અમેરિકા બોજારૂપ ગણે છે. તેનાથી અમેરિકાની કંપનીઓ પરના ખર્ચમાં વધારો થાય છે. ભારતમાં ટેકનિકલ સર્ટિફિકેટ ફરજિયાત છે અને ગુણવતાના નિયંત્રણો છે.SS1MS