Western Times News

Gujarati News

સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક નિર્ણય, જજોની સંપત્તિ જાહેર કરાઈ

નવી દિલ્હી, ભારતની સુપ્રીમ કોર્ટે ન્યાયાધીશોની સંપત્તિની વિગતો જાહેર કરી છે. સુપ્રીમ કોર્ટે સોમવારે (પાંચમી મે) કહ્યું કે, ‘પારદર્શિતા વધારવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.’

જાહેર કરાયેલા ડેટામાંથી મળેલી માહિતી અનુસાર, જસ્ટિસ કે.વી. વિશ્વનાથન સુપ્રીમ કોર્ટના સૌથી ધનિક ન્યાયાધીશ છે. ત્યારે ચાલો જાણીએ કે સુપ્રીમ કોર્ટે આ નિર્ણય વિશે શું કહ્યું છે.

સુપ્રીમ કોર્ટે જાહેર જાગૃતિ માટે હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં નિમણૂકોની સમગ્ર પ્રક્રિયા પણ વેબસાઇટ પર અપલોડ કરી છે. આમાં હાઇકોર્ટ કોલેજિયમને સોંપવામાં આવેલી ભૂમિકા, રાજ્ય સરકાર, ભારત સરકાર તરફથી મળેલી ભૂમિકા અને ઇનપુટ્‌સ અને સુપ્રીમ કોર્ટ કોલેજિયમના મંતવ્યો શામેલ છે.

સુપ્રીમ કોર્ટની વેબસાઇટ પર અપલોડ કરાયેલી મિલકતની વિગતો અનુસાર, ચીફ જસ્ટિસ સંજીવ ખન્ના અનેક ફ્લેટના માલિક છે. દક્ષિણ દિલ્હીમાં ત્રણ ફ્લેટ ઉપરાંત, બે પાર્કિંગ જગ્યાઓ સાથેનો ચાર બેડરૂમનો ફ્લેટ છે, જેનો સુપર એરિયા ૨૪૪૬ ચોરસ ફૂટ છે. આ ઉપરાંત, ૫૬ ટકા હિસ્સા સાથે, ગુરુગ્રામના સિસ્પલ વિહાર સેક્ટર ૪૯માં ચાર બેડરૂમનો ફ્લેટ છે, જેનો સુપર એરિયા ૨૦૧૬ ચોરસ ફૂટ છે.

સુપ્રીમ કોર્ટે પોતાના નિર્ણયમાં કહ્યું કે,’સુપ્રીમ કોર્ટે પહેલી એપ્રિલ, ૨૦૨૫ના રોજ નિર્ણય લીધો હતો કે આ કોર્ટના ન્યાયાધીશોની સંપત્તિની વિગતો તેની વેબસાઇટ પર અપલોડ કરીને જાહેર કરવામાં આવશે. પહેલાથી જ પ્રાપ્ત થયેલા ન્યાયાધીશોની સંપત્તિની વિગતો અપલોડ કરવામાં આવી રહી છે.

અન્ય ન્યાયાધીશોની સંપત્તિની વિગતો પણ પ્રાપ્ત થતાંની સાથે જ અપલોડ કરવામાં આવશે.’તાજેતરમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે દિલ્હી હાઈકોર્ટના જસ્ટિસ યશવંત વર્માના ઘરે ચલણી નોટોનો મોટો ઢગલો મળી આવ્યો હતો.

સુપ્રીમ કોર્ટે આ મામલે તપાસ સમિતિની રચના કરી હતી. જોકે, આ ઘટના પછી ન્યાયતંત્રમાં પારદર્શિતા પર પ્રશ્નો ઊભા થયા હતા. ભારતના ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે પણ આ મામલે ન્યાયતંત્ર પર નિશાન સાધ્યું હતું.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.