Western Times News

Gujarati News

નડિયાદ ખાતે આયોજિત ખેલ મહાકુંભ 3.0 રાજ્યકક્ષાની એથ્લેટિક્સ સ્પર્ધામાં 6300થી વધુ ખેલાડીઓ ઝળક્યા

રાજ્યકક્ષાની એથ્લેટિક્સ સ્પર્ધામાં દોડ, લાંબી કૂદ, ઊંચી કૂદ, ગોળા ફેંક, હેમર થ્રો જેવી રમતોનું આયોજન, વિજેતા ખેલાડીઓને મૅડલ, ટ્રેકસૂટ આપી કરાયું સન્માન

‘રમશે ગુજરાત, જીતશે ગુજરાત’ના મંત્ર સાથે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ 2010માં શરૂ કરી હતી ખેલ મહાકુંભની પહેલ, દર વર્ષે લાખો ખેલાડીઓ લે છે ભાગ

નડિયાદ, છેલ્લા 2 દાયકામાં ગુજરાતના યુવાનો રમતગમત ક્ષેત્રે રાજ્યનું નામ રોશન કરી રહ્યા છે અને સ્પોર્ટ્સને પ્રોફેશન બનાવી રહ્યા છે તેનો શ્રેય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના દૂરંદેશી વિઝનને જાય છે. 2010માં ગુજરાતના મુખ્યમંત્રી તરીકે તેમણે ખેલ મહાકુંભની નવતર પહેલ કરી હતી, જેનાથી રાજ્યના ખેલાડીઓમાં નવું જોમ આવ્યું છે અને અંતરિયાળ વિસ્તારોમાંથી પ્રતિભાઓ સામે આવી રહી છે. આ પહેલના કારણે સરિતા ગાયકવાડ, મુરલી ગાવિત સહિતના ખેલાડીઓ ગુજરાતને મળ્યા છે અને તેમણે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે રાજ્યનું નામ રોશન કર્યું છે.

ઉલ્લેખનીય છે કે, દર વર્ષે 7 મેએ વિશ્વ એથ્લેટિક્સ દિવસની ઉજવણી કરવામાં આવે છે, જેનો મુખ્ય ઉદ્દેશ યુવાનોમાં ફિટનેસના મહત્વ વિશે જાગૃતિ લાવવાનો અને તેમને રમતો, ખાસ કરીને એથ્લેટિક્સમાં ભાગ લેવા માટે પ્રોત્સાહિત કરવાનો છે. ગુજરાતમાં ખેલ મહાકુંભ પહેલ હેઠળ આયોજિત થતી રાજ્યકક્ષાની એથ્લેટિક્સ સ્પર્ધા પણ આ જ વિઝનને સાકાર કરે છે.

ખેલ મહાકુંભ 3.0 રાજ્યકક્ષા એથ્લેટિક્સ સ્પર્ધામાં 6300થી વધુ ખેલાડીઓએ લીધો ભાગ

તાજેતરમાં 14 એપ્રિલથી 30 એપ્રિલ દરમ્યાન ખેડા જિલ્લાના નડિયાદ ખાતે ખેલ મહાકુંભ 3.0 રાજ્યકક્ષા એથ્લેટિક્સ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રાજ્યના 6369 જેટલા ખેલાડીઓએ ભાગ લીધો હતો. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકાર દ્વારા હાઈ પર્ફોર્મન્સ સેન્ટર ખાતે રાજ્યકક્ષા સ્પર્ધાનું સુચારુ

આયોજન કરવામાં આવ્યું હતું. સ્પર્ધામાં ભાગ લેનારા ખેલાડીઓમાં અંડર-9, અંડર-11, અંડર-14, અંડર-17, ઓપન વય જૂથના 3251 ભાઈઓ અને 3118 બહેનોનો સમાવેશ થાય છે.

ખેલ મહાકુંભની રાજ્યકક્ષાની એથ્લેટિક્સ સ્પર્ધામાં 30 મીટરથી માંડીને 5000 મીટર દોડ, 80મી હર્ડલ્સ, 100મી હર્ડલ્સ, 110મી હર્ડલ્સ, 400મી હર્ડલ્સ, લાંબી કૂદ, ઊંચી કૂદ, વાંસ કૂદ, લંગડીફાળ કૂદ, ગોળા ફેક, ચક્ર ફેક, ભાલા ફેક, હેમર થ્રો, રીલે, જલદ ચાલ જેવી ઇવેન્ટોનું આયોજન કરવામાં આવે છે. ખેલ મહાકુંભ 3.0 રાજ્યકક્ષા એથ્લેટિક્સ સ્પર્ધામાં આ રમતોમાં વિજેતા ખેલાડીઓને મૅડલ અને ટ્રેકસૂટ એનાયત કરવામાં આવ્યા હતા.

ખેલ મહાકુંભ દ્વારા ગુજરાતને મળ્યા પ્રતિભાશાળી ખેલાડીઓ

વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ શરૂ કરેલી ખેલ મહાકુંભ પહેલના કારણે ગુજરાતને સરીતા ગાયકવાડ, મયુર માલવીયા, રુચિત મોરી, ગાવીત મુરલી જેવા પ્રતિભાશાળી ખેલાડીઓ મળ્યા છે. ઉલ્લેખનીય છે કે, ડાંગની ‘ગોલ્ડન ગર્લ’ સરિતા ગાયકવાડે એશિયન ગેમ્સ 2018માં મહિલા 4×400 મીટર રિલે ટીમ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ અને મુરલી ગાવિતે 2019માં એશિયન એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં પુરુષોની 10000 મીટર સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ જીતીને રાજ્યનું નામ રોશન કર્યું છે. ગુજરાત સરકાર આવા પ્રતિભાશાળી ખેલાડીઓની ક્ષમતાને પ્રોત્સાહન આપવા માટે પ્રતિબદ્ધ છે.

આજે ગુજરાત સરકાર અને સ્પોર્ટ્સ ઓથોરિટી ઑફ ઇન્ડિયાના સહયોગથી આયોજિત થતો ખેલ મહાકુંભ એશિયાનો સૌથી મોટો ગ્રાસરૂટ ટેલેન્ટ આઇડેન્ટિફિકેશન અને ડેવલપમેન્ટ પ્રોગ્રામ બની ગયો છે. આ મેગા સ્પોર્ટ્સ ઇવેન્ટમાં દરેક વયના લાખો ખેલાડીઓ ભાગ લે છે. ખેલ મહાકુંભ 2.0માં 53 લાખ 66 હજારથી વધુ લો કોએ ભગ લીધો હતો અને તેમને આર્થિક પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા હતા.

20 વર્ષમાં સ્પોર્ટ્સ બજેટ 141 ગણું વધ્યું, ગુજરાતે સ્પોર્ટ્સ પોલિસી 2022-2027 લૉન્ચ કરી

છેલ્લા 20 વર્ષમાં ગુજરાત સરકારે રમતગમત ક્ષેત્રે નાગરિકોને પ્રોત્સાહન આપવાના લક્ષ્ય સાથે વિશ્વ સ્તરીય ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કર્યું છે. 2002 પહેલાં ગુજરાતનું સ્પોર્ટ્સ બજેટ માત્ર ₹2.5 કરોડ હતું, જે 2024માં ₹352 કરોડને પાર થઈ ગયું છે. ઉલ્લેખનીય છે કે, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાતે સ્પોર્ટ્સ પોલિસી 2022-2027 લૉન્ચ કરી હતી જેનો હેતુ રાજ્યમાં સ્પોર્ટ્સ ઇકોસિસ્ટમ ડેવલપ કરવાનો છે. નવી પોલિસીથી ગુજરાત આવનારા સમયમાં સ્પોર્ટ્સમાં અગ્રણી બનશે અને રાજ્યના પ્રતિભાવાન ખેલાડીઓને તેમના સપનાં સાકાર કરવાની વધુ તકો મળશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.