અમદાવાદ સિવિલમાં ૩ કાયમી નર્સિંગ સુપ્રિન્ટેન્ડન્ટની નિમણૂંક કરાઈ

અંગદાનના સામાજિક સંદેશ દ્વારા નર્સિંગ કાઉન્સિલના સભ્યોએ નર્સિંગ સુપ્રિ.નું ઉમળકાભેર સ્વાગત કર્યું
રાજ્ય સરકાર દ્વારા અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ૩ કાયમી નર્સિંગ સુપ્રિન્ટેન્ડન્ટની નિમણૂંક કરાતા સિવિલ સ્ટાફ દ્વારા અંગદાનના પ્લેકાર્ડ્સ લહેરાવી ત્રણ નવનિયુક્ત નર્સિંગ સુપ્રિ. સર્વશ્રી રોમાંચ ઉપાધ્યાય, સીમા તીર્થ દાસાણી અને આનંદીબેન ચૌધરીનું સ્વાગત કરવામાં આવ્યું હતું.
અંગદાન પ્રત્યે મહત્તમ લોકો જાગૃત્ત થાય એ ઉદ્દેશથી અંગદાન મહાદાન જનજાગરણ અભિયાનના પ્રણેતા દિલીપદાદા દેશમુખની પ્રેરણા સાથે તબીબી અધિક્ષક ડો.રાકેશ જોષી, ગુજરાત નર્સિંગ કાઉન્સિલના ઉપપ્રમુખ ઈકબાલ કડીવાલા, નર્સિંગ કાઉન્સિલના રજિસ્ટ્રાર ડો.પ્રજ્ઞાબેન ડાભી, કાઉન્સિલના સભ્ય અને પૂર્વ નર્સિંગ સુપ્રિન્ટેન્ડન્ટ બી.કે.પ્રજાપતિ, નર્સિંગ સુપ્રિન્ટેન્ડન્ટ હિતેન્દ્રભાઈ ઝાખરીયા, યુવા મોર્ચા મોરચા શૈલેષકુમાર નાઈ, GNUના પ્રમુખ દેવીબેન દાફડા અને સ્ટાફે ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું.
‘આરોગ્ય સેવા, સુશ્રુષા, દર્દીઓની નર્સિંગ સ્ટાફ સાથે પારિવારિક આત્મીય ભાવના જળવાઈ રહે એવા અનોખા ઉદ્દેશ સાથે નર્સિંગ કાઉન્સિલના સભ્યોએ અંગદાનના પ્લેકાર્ડસ અને શાલ અર્પણ કરી ત્રણે નર્સિંગ સુપ્રિન્ટેન્ડન્ટનું સ્વાગત કર્યું હતું.
નોંધનીય છે કે, રાજ્યમાં સૌથી વધુ અંગદાન એશિયાની સૌથી મોટી સરકારી હોસ્પિટલ અમદાવાદ સિવિલમાં થાય છે, ત્યારે બ્રેઈનડેડ થવાના બનાવોમાં અંગદાતા પરિવાર દ્વારા સ્વજનના કિડની, લીવર, હૃદયના દાનથી હજારો જરૂરિયાતમંદ નાગરિકોને નવજીવન મળે છે, અંગદાનથી અનેક જરૂરિયાતમંદ અંગ મેળવનાર લોકોને નવી ખુશીઓ મળી છે.
આ અંગે નર્સિંગ સુપ્રિન્ટેન્ડન્ટ હિતેન્દ્રભાઈ ઝાખરીયાએ જણાવ્યું હતું કે, કાયમી નર્સિંગ સુપ્રિન્ટેન્ડન્ટની નિમણૂંક તેમજ ખૂબ મોટી સંખ્યામાં ઐતિહાસિક ભરતીના કારણે દર્દીઓના આરોગ્ય અને સુશ્રુષામાં વધારો થશે. GPSC થકી ભરતી થયેલા નવા નર્સિંગ સુપ્રિ. તજજ્ઞ હોવાથી તેમના બહોળા જ્ઞાનથી આરોગ્ય જનજાગૃત્તિ અભિયાનો, ઇન સર્વિસ એજ્યુકેશન, હેલ્થ એજ્યુકેશનમાં વધારો થશે.
આ પ્રસંગે ગુજરાત નર્સિંગ કાઉન્સીલના ઉપપ્રમુખ ઈકબાલ કડીવાલાએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા જી.પી.એસ.સી. મારફતે રાજ્યમાં કુલ ૧૬ કાયમી નર્સિંગ સુપ્રિન્ટેન્ડન્ટની જગ્યાઓ ભરવામાં આવી છે, જે પૈકી ૩ની અમદાવાદમાં નિમણૂંક કરાઈ છે. સાથો-સાથ પ્રિન્સીપાલોની ૨૨ જગ્યાઓ પર ભરતી થઈ છે. વર્ષ ૨૦૧૪ બાદ ૨૦ હજાર નર્સિસની ઐતિહાસિક ભરતી કરવામાં આવી છે.
નર્સીસ દર્દીઓ અને તેમના પરિવાર સાથે આત્મીયતા અને ૨૪x૭ સંપર્ક હોય છે. સમગ્ર દેશમાં એક માત્ર ગુજરાતમાં આ સૌથી વધુ નર્સીસની નિમણૂંક છે. વર્ષો પછી થયેલી આ ભરતી માટેના સરકારના પગલા બદલ રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કરતા તેમણે કહ્યું કે, આ ભરતીઓથી નર્સિંગ શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે ખૂબ ફાયદો થશે. દિલીપદાદા દેશમુખની મુહિમના કારણે અંગદાનનું પ્રમાણ વધ્યું છે. આ સંદર્ભે ૩ નર્સિંગ સુપ્રિ.ને ‘અંગદાન મહાદાન’ના સામાજિક સંદેશ સાથે સિવિલના મેડિકલ, નર્સિંગ સ્ટાફે હકારાત્મક રીતે સ્વાગત કર્યું છે.