વટવા GIDCમાં યુધ્ધની પરિસ્થિતિમાં સાવચેતી અંગે મોકડ્રીલ યોજાઇ

યુધ્ધની સ્થિતિ સર્જાય તો નાગરિકોએ કઇ કઇ બાબતોની કાળજી રાખવી તે અંગે તંત્રએ કવાયત કરી
ભારત સરકારના ગૃહ મંત્રાલય દ્વારા યુધ્ધ જેવી પરિસ્થિતિના સામના માટે દેશના ઘણાં રાજ્યોમાં ‘‘ઓપરેશન અભ્યાસ’’ હેઠળ મોકડ્રીલ યોજવા અંગે સુચના આપવામાં આવી હતી. જે અન્વયે આજે ગુજરાત રાજ્યના ૧૮ જિલ્લાઓમાં વહીવટી તંત્ર દ્વારા સીવીલ ડિફેન્સ મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું.
યુધ્ધની પરિસ્થિતિમાં નાગરિકોની સાવચેતી અને સલામતિ માટે વટવા જી.આઇ.ડી.સી.માં મોકડ્રીલ યોજવામાં આવી હતી. જેમાં યુધ્ધની સ્થિતિ સર્જાય તો નાગરિકોએ કઇ કઇ બાબતોની કાળજી રાખવી તે અંગે વહીવટી તંત્રએ કવાયત કરી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, યુધ્ધ અથવા તો કટોકટીની સ્થિતિમાં નાગરિકોની સલામતિ સુનિશ્વિત કરવા માટે આજે અમદાવાદ જિલ્લામાં કુલ- ૯ જેટલાં સ્થળોએ વહીવટી તંત્ર દ્વારા સીવીલ ડિફેન્સ મોકડ્રીલ યોજવામાં આવી હતી.
આ મોકડ્રીલ અંતર્ગત ચાર વાગ્યે અચાનક યુધ્ધનું સાયરન વાગતા કંટ્રોલ રૂમ પરથી વિવિધ ટીમોને જાણ કરવામાં આવતા જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ સહિત પોલીસ, ફાયર ફાઇટર, સીવીલ સપ્લાય, પાણી પુરવઠો, મેડીકલ ટીમ,
એમ્બ્યુલન્સ સહિત વિવિધ ૧૨ જેટલી સીવીલ ડિફેન્સ સેવાઓના અધિકારીઓ પોતાની ટીમ સાથે ઘટના સ્થળે દોડી આવ્યા હતા. હુમલામાં ઘાયલ થયેલા નાગરિકોને એમ્બ્યુલન્સ મારફત હોસ્પિટલ લઇ જઇ સારવાર પુરી પાડવામાં આવી હતી અને આ અંગેનો રિપોર્ટ કંટ્રોલરૂમ કરવામાં આવ્યો હતો.