ચંડોળા તળાવમાં રહેતા ભારતીય નાગરિકોને વૈકલ્પીક વ્યવસ્થા આપવામાં આવશે

૧ ડિસેમ્બર ૨૦૧૦ પહેલા રહેતા લોકોને જ યોજનાનો લાભ મળશેઃ દેવાંગ દાણી
(પ્રતિનિધિ) અમદાવાદ, દક્ષિણઝોનના દાણીલીમડામાં આવેલ ચંડોળા તળાવ કે જેનો કુલ વિસ્તાર ૧૧ લાખ ચો.મી. જેટલો છે તેમાં અંદાજીત ૪ (ચાર) લાખ ચો.મી. જેટલા વિસ્તારમાં અન-અધિકૃત દબાણ હતા.
જે પૈકી અત્યાર સુધીમાં ૧.૫ લાખ ચો.મી. જેટલા વિસ્તારમાં આવેલ ૪૦૦૦ જેટલા કાચા/પાકા ઝૂપડાઓનું ડિમોલીશન કરવામાં આવ્યુ છે. હજુ પણ અંદાજીત ૨.૫ લાખ ચો.મી. જેટલી જગ્યામાં આશરે ૧૦ હજાર જેટલા કાચા/પાકા અન-અધિકૃત દબાણો છે. ચંડોળા તળાવમાં આવેલ આ તમામ બાકીના દબાણો તાકીદે દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવશે.
તળાવમાં અન-અધિકૃત દબાણો કરીને રહેતાં ઈસમોને તેમનો માલસામાન લઈ જઈને સ્વેચ્છાએ મકાનો ખાલી કરવા સૂચન કરવામાં આવ્યા છે. ચંડોળા તળાવમાં જે ભારતીય નાગરિકો વસવાટ કરે છે તેઓ ઘર વિહોણા ન થાય તે માટે મ્યુનિસિપલ કોર્પોરેશન ઘ્વારા તેમને ઇ.ડબ્લ્યુ.એસ. અંતર્ગત મકાન ફાળવવામાં આવશે.
અમદાવાદ મ્યુનિસિપલ કમિટી ચેરમેન દેવાંગ દાણીના જણાવ્યા મુજબ સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં ચંડોળા તળાવની અંદર તા. ૦૧/૧૨/૨૦૧૦ પહેલાં રહેતાં હોય તેવાં કાચા/પાકા પ્રકારના સ્થાનિક રહેણાંકવાસીઓને શરતોને આધિન વૈકલ્પિક વ્યવસ્થા આપવા સૈધ્ધાંતિક નિર્ણય લેવામાં આવ્યો છે.
સ્થાનિક લોકોને પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી)ના એફોર્ડેબલ હાઉસીંગ ઈન પાર્ટીશીપેશન ઘટક હેઠળ તથા સરકાર નકકી કરે તે શરતોને આધિન ઈ.ડબલ્યુ.એસ. કેટેગરીના મકાનો ફાળવવામાં આવશે.
ચંડોળા તળાવની જમીનમાં અનઅધિકૃત બનાવેલ ઝુંપડામાં વસવાટ કરતાં રહેણાંક પ્રકારના આવાસો માટે અસરગ્રસ્તોએ મ્યુ. કોર્પોરેશનના નકકી કરેલ પરફોર્માવાળું ફોર્મ દાણીલીમડા ખાતે આવેલ ઝારા રેસીડેન્સી પાસેની વોર્ડ ઓફિસમાંથી જરૂરી ફોર્મ મેળવી માન્ય આધારભૂત પૂરાવાઓ પૈકી બે પુરાવા ફરજીયાત સામેલ કરવાના રહેશે. વૈકલ્પિક વ્યવસ્થાનો લાભ મેળવવા માટે અસરગ્રસ્તો તા. ૧/૧૨/૨૦૧૦ પહેલા ચંડોળા તળાવના વિસ્તારમાં રહેતા હોવાના પુરવાર કરતા દસ્તાવેજો/જરૂરી પુરાવા રજુ કરવા ફરજિયાત છે.
વૈકલ્પિક વ્યવસ્થા માટે અરજી કરનાર રહેવાસીએ પૂરાવાની સાથે તેમની કૌટુંબીક વાર્ષિક આવક રૂ. ૩ લાખ કે તેનાથી ઓછી હોવાનું પ્રમાણપત્ર તથા ફોર્મમાં જણાવેલ અન્ય જરૂરી પુરાવાઓ સામેલ કરવાનાં રહેશે. અસરગ્રસ્તોની પાત્રતા નક્કી થયેથી આવાસની ફાળવણી લેતા પહેલાં જરૂર જણાયે પોલીસ વેરીફિકેશન પણ કરવામાં આવશે.
ફોર્મ સાથે જરૂરી પુરાવાઓ રજૂ કર્યા બાદ તેની ચકાસણી કરી નિયત સમયમર્યાદામાં જરૂરી પુરાવા સહ ફોર્મ ભરેલ અસરગ્રસ્તોના પુરાવાના આધારે પાત્રતા નકકી કરાવામાં આવશે અને પાત્રતા ધરાવતા અસરગ્રસ્તોને જ આનો લાભ આપવામાં આવશે.આ યોજના માટે અરજદારે રૂબરૂમાં અરજી કરવાની રહેશે. ઓનલાઇન અરજી સ્વીકારવામાં આવશે નહિ. કલેકટર ઘ્વારા ૨૦૧૫માં કરવામાં આવેલા સર્વે મુજબ ચંડોળા તળાવમાં ૮ હજાર લોકો વસવાટ કરતા હતા.