યુવતિને મરવા મજબૂર કરનાર પિતા-ભાઈ સામે ફરિયાદ: માતાનું મોત, પુત્રનો બચાવ

‘મારા બાપ જેવો બાપ કોઈને ના મળે’ની સ્યૂસાઈડ નોટ લખી માતાએ ૪ વર્ષનાં પુત્ર સાથે ઝેર પીધું
અમદાવાદ, લવમેરેજ કરનાર યુવતિએ હિંમતનગર રેલવે સ્ટેશન પર શનિવારે બપોરે દોઢ વાગ્યે ૪ વર્ષના પુત્રને ઝેરી દવા પીવડાવી પોતે પણ ઝેરી દવા પી આત્મહત્યા કરી લીધી હતી.
યુવતિએ આત્મહત્યા કરતા અગાઉ બનાવેલા વીડિયોમાં મારા બાપ જેવો બાપ કોઈને ના મળે તેવો ઉલ્લેખ કર્યો હતો. અમદાવાદ રેલવે પોલીસે યુવતિની સ્યૂસાઈડ નોટ અને વીડિયો આધારે મૃતકના પિતા-ભાઈ સામે દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. મૃતકના ચાર વર્ષનો પુત્ર સમયસર સારવાર મળતા બચી ગયો હતો.
હિંમતનગરની શાંતિ ઉપવન સોસાયટીમાં રહેતા અને ગાંધીનગર સરગાસણ ખાતે આવેલી ખાનગી કંપનીમાં નોકરી કરતા મનોજ પંચાલએ તેના સસરા ગોપાલસિંહ સોલંકી અને સાળા નિર્મલસિંહ વિરૂદ્ધ ફરિયાદ કરી છે. જે મુજબ ર૦ર૦માં મનોજ પંચાલે આરોપીની પુત્રી કોમલબહેન સાથે ર૦ર૦માં કોર્ટ મેરેજ કર્યા હતા.
આ લગ્નથી નારાજ કોમલના પરિવારના સભ્યોએ મનોજના પરિવારને જાનથી મારવાની ધમકી આપી હતી. મનોજ પર એક વાર હુમલો કર્યો હતો. આ ઉપરાંત તેના ઘરે જઈને પણ કારના કાચ તોડી હુમલો કર્યો હતો. કોમલના નામે રેહલી દુકાન પણ સસરાએ ફરિવાર હેરાન ના કરવાની શરતે લખાવી લીધી હતી જે દુકાન કોમલે તેના કાકા ચંદ્રસિંહના નામે કરી હતી.
જોકે તે પછી હુમલો થતા કોમલે વાંધા અરજી કરીને વિરોધ કર્યો હતો. આ દરમિયાન ગત શનિવારે બપોરે કોમલે સ્યુસાઈડ નોટ લખી તેમજ વીડિયો બનાવ્યો બાદમાં હિંમતનગર રેલવે સ્ટેશન ફૂટ ઓવરબ્રિજ પર ચાર વર્ષના પુત્રને ઝેરી દવા પીવડાવી પોતે પણ દવા પી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો.
કોમલ અને તેના પુત્રને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવાયા હતા. સારવાર દરમિયાન કોમલનું મોત નીપજયું જયારે પુત્રનો બચાવ થયો હતો. બનાવ અંગે અમદાવાદ રેલવે પોલીસે કોમલના પતિ મનોજ પંચાલની ફરિયાદ આધારે મૃતકના પિતા અને ભાઈ સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.