ગુજરાતમાં ફટાકડા ફોડવા અને ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ

પ્રતિકાત્મક
ગુજરાત સરકારે નાગરિકોને સહકાર આપવા તથા તમામ માર્ગદર્શિકાનું પાલન કરવાની અપીલ પણ કરી
ગાંધીનગર, ભારત પાકિસ્તાન વચ્ચે વધી રહેલા તણાવ વચ્ચે ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ મહત્ત્વનો નિર્ણય લીધો છે. હર્ષ સંઘવીએ જણાવ્યુ છે કે, ૧૫મી મે સુધી ગુજરાતમાં કોઈપણ પ્રકારના કાર્યક્રમમાં ડ્રોન ઉડાવવા અને ફટાકડા ફોડવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.
ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં માહિતી શેર કરતા જણાવ્યુ છે કે, ગુજરાતમાં ૧૫મી મે સુધી કોઈપણ કાર્યક્રમમાં ડ્રોન ઉડાડવા અને ફટાકડા ફોડવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. તો તમામ લોકોને વિનંતી છે કે, આ અંગે સહકાર આપજો અને માર્ગદર્શિકાનું પાલન કરજો.
ગૃહ વિભાગે સ્પષ્ટ સૂચના આપી છે કે, ૧૫મી તારીખ સુધી રાજ્યના કોઈપણ ભાગમાં જાહેર સ્થળો પર કોઈપણ પ્રકારના ડ્રોન ઉડાડવા કે ફટાકડા ફોડવાની મંજૂરી આપવામાં નહીં આવે. આવો નિર્ણય કોઈ ખાસ સમારોહ કે સામૂહિક કાર્યક્રમ હોય તો પણ લાગૂ રહેશે. આ પ્રતિબંધનો ઉદ્દેશ જનતાની સલામતી અને શાંતિ જાળવવો છે. સરકારે નાગરિકોને સહકાર આપવા તથા તમામ માર્ગદર્શિકાનું પાલન કરવાની અપીલ પણ કરી છે.
ઉલ્લેખનીય છે કે, ‘ઓપરેશન સિંદૂર’ પછી દેશના ઉત્તર અને પશ્ચિમ ભાગમાં, ખાસ કરીને સરહદી વિસ્તારોમાં થયેલા તણાવના કારણે સુરક્ષા વ્યવસ્થામાં કડકાઈ લાવવાની જરૂર ઊભી થઈ છે. મળતી માહિતી પ્રમાણે, પાકિસ્તાન તરફથી છેલ્લા કેટલાક દિવસોમાં મિસાઇલ કે ડ્રોન હમલાના નિષ્ફળ પ્રયાસો થઈ ચૂક્્યા છે. જેને લઈને દેશના સરહદી રાજ્યોમાં એલર્ટના પગલાં લેવાઈ રહ્યા છે.
ગુજરાતમાં ખાસ કરીને કચ્છ, બનાસકાંઠા અને પાટણ જેવા જિલ્લામાં પાકિસ્તાનની સીધી સરહદ છે. આ વિસ્તારોએ પહેલાંથી જ એલર્ટ સ્થિતિમાં રહી સુરક્ષા દળોને મજબૂત બનાવવામાં આવ્યા છે. આવા સંજોગોમાં કોઈ પણ પ્રકારના સંદિગ્ધ ઉડનયંત્રો અથવા વિસ્ફોટજન્ય પ્રવૃત્તિઓ તંગદિલી વધારે તેવી સ્થિતિ ઊભી કરી શકે છે. તેથી રાજ્ય સરકારે આવા ભયના કારણો દૂર કરવા અને શાંતિપૂર્ણ પરિસ્થિતિ જાળવવા આ નિર્ણય કર્યો છે.
સૂત્રોએ જણાવ્યું હતું કે, સમગ્ર નિર્ણય રાજ્યની આંતરિક સલામતી અને સામાન્ય નાગરિકોના હિતને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે. સુરક્ષા એજન્સીઓએ પણ આ મુદ્દે ગંભીરતાપૂર્વક કામગીરી શરૂ કરી દીધી છે અને તમામ જિલ્લા કલેક્ટરો તથા પોલીસ વડાઓને પણ યોગ્ય કાર્યવાહી કરવા સૂચના અપાઈ છે.
સરકાર દ્વારા ટૂંક સમયમાં વધુ માર્ગદર્શિકા બહાર પાડવાની શક્્યતા છે. રાજ્યના નાગરિકોને શાંતિ જાળવવા અને કોઈપણ અફવા પર વિશ્વાસ ન કરવા અપીલ કરવામાં આવી છે.