Western Times News

Gujarati News

નિવૃત્ત શિક્ષક દંપતિને વીડિયો કોલિંગમાં પોલીસ વર્દી સાથે નકલી અધિકારીની ઓળખ આપી રૂ.૧૬ લાખ પડાવ્યા

(પ્રતિનિધિ) ભરૂચ, ભરૂચ જીલ્લામાં સાયબર ફ્રોડના અનેક કિસ્સાઓ સામે આવ્યા છે.જેમાં વધુ એક નિવૃત્ત શિક્ષક દંપતીએ ૧૬ લાખ ગુમાવવાની નોબત આવતા સમગ્ર મામલો સાયબર પોલીસ મથકમાં પહોંચતા સાયબર ફ્રોડોએ પોલીસના કપડામાં વીડિયો કોલિંગ કરી શિક્ષક દંપતી સાથે છેતરપિંડી કરી હોવાની ફરિયાદ નોંધાય છે.

અંકલેશ્વર જુના દીવા રોડ ઉપર આવેલ નીલ માધવ રેસીડેન્સીના મકાન નંબર ૨૬ માં રહેતા નિવૃત્ત શિક્ષિકા પ્રેમીબેન મોતીભાઈ રોહિતે ભરૂચ સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.જેમાં તેઓએ આક્ષેપ કર્યા છે કે તેઓને ગત તારીખ ૪/૫/૨૦૨૫ ના રોજ અજાણ્યા નંબર પરથી વોટ્‌સએપ કોલિંગ વિડીયો આવ્યો હતો.

જેમાં વીડિયો કોલિંગ કરનારે પોલીસના કપડાં પહેરલ હોય તેણે વિનોય કુમાર તરીકેની ઓળખ આપી સાયબર ક્રાઈમ દિલ્હીના પોલીસ અધિકારી હોવાની ઓળખ આપી હતી અને તેઓએ ફરિયાદી પ્રેમીબેન તથા તેમના પતિ મોતીભાઈ રોહિતને કહ્યું હતું કે દિલ્હીમાં નરેશ ગોયલ નામના ઈસમે ૨ કરોડનું સાયબર ફ્રોડ કર્યું છે જેના ૨૦ ટકા તમારા ખાતામાં આવ્યા છે જેના અનુસંધાને આપની ધરપકડ કરવા સિવિલ ડ્રેસમાં પોલીસ તમારા ઘરની આજુબાજુ પહોંચી ગઈ છે.

વીડિયો કોલિંગમાં પોલીસના વસ્ત્રોમાં અધિકારી તરીકે વાતચીત કરતા ફરિયાદી પ્રેમી બેન રોહિત તથા તેમના પતિ મોતીભાઈ રોહિત બંને નિવૃત્ત શિક્ષક હોય અને પોલીસના વીડિયો કોલિંગ થી તેઓ ગભરાઈ ગયા હોય અને વીડિયો કોલિંગ કરનારે કહ્યું હતું કે પ્રેમી બેન ના બેન્ક એકાઉન્ટમાં ૭,૫૦,૦૦૦ બેલેન્સ છે અને મોતીભાઈ રોહિતના બેન્ક એકાઉન્ટમાં ૮,૫૦,૦૦૦ જેટલું બેલેન્સ છે

જે બંને બેંક એકાઉન્ટમાં ઝિરો બેલેન્સ કરવું પડશે તેમ કહી સાઇબર ફ્રોડોએ નિવૃત્ત બંને શિક્ષકના બેન્ક એકાઉન્ટ માંથી તમામ રકમ બંસીલાલ ટ્રેડર્સ નામના બેન્ક એકાઉન્ટમાં જમા કરાવડાવી ફરિયાદી નિવૃત્ત દંપતી શિક્ષક સાથે છેતરપિંડી કરી હોવાની ફરિયાદ ભરૂચ સાઈબર ક્રાઇમ પોલીસ મથકમાં નોંધાતા પોલીસે અજાણ્યા સાયબર ફ્રોડો સામે ગુનો દાખલ કરી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.