Western Times News

Gujarati News

બોટાદમાં પાણીજન્ય અને દુષિત ખોરાકથી થતાં રોગો અટકાવવા આરોગ્ય વિભાગ સતર્ક બન્યું

પ્રતિકાત્મક

(એજન્સી)બોટાદ, બોટાદ જિલ્લામાં છેલ્લાં બે દિવસથી કમોસમી વરસાદ થતાં જિલ્લામાં પાણીજન્ય, મચ્છરજન્ય રોગચાળો ન થાય તે માટે જિલ્લા કલેકટરશ્રી ડો જીન્સી રોય, તેમજ જિલ્લા વિકાસ અધિકારીશ્રી અક્ષય બુડાનીયાના માર્ગદર્શન હેઠળ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી દ્વારા આરોગ્ય વિભાગનાં ૨૨ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર / શહેરી આરોગ્ય કેન્દ્ર, ૧૧૬ જેટલાં સબસેન્ટર દ્વારા પ્રો-એક્ટિવ થઈને સઘન કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. ગરમ અને તાજો ખોરાક ખાવા અપીલ કરવામાં આવી

જે અંતર્ગત આરોગ્ય કર્મચારી-આશા દ્વારા ઘરે ઘરે ફરીને પીવાના પાણીનું કલોરીનેશન ચેક કરવામા આવી રહ્યું છે, પીવાના પાણીમાં ક્લોરીન ટેબલેટ નાખવી, તેમજ બીમાર દર્દીઓ હોય તો ઓ.આર.એસ (ર્ંઇજી), વિતરણ તથા સ્વચ્છતા બાબતે આરોગ્ય શિક્ષણ આપવામાં આવી રહ્યું છે.

આ ઉપરાંત પાણીજન્ય રોગચાળા બાબતે લોકોએ ધ્યાનમાં રાખવાની બાબતોની જાણ કરવામાં આવી રહી છે. જે મુજબ પાણી ઉકાળીને અથવા ક્લોરીનવાળું પીવા માટે ઉપયોગમાં લેવું. જમતાં પેહલાં હાથ અવશ્ય સાબુથી ધોવા, માખીનો ઉપદ્રવ ન થાય તે માટે કાદવ-કીચ્ચડ ન થાય તે જોવું અને ખોરાક ઢાંકીને રાખવો. ગરમ અને તાજો ખોરાક ખાવા અપીલ કરવામાં આવી છે.

આ ઉપરાંત મચ્છરજન્ય બીમારી જેવી કે ડેન્ગ્યુ, મેલેરિયા અને ચિકનગુનિયાથી બચવાના ઉપાય વિશે પણ આરોગ્ય વિભાગ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું છે. જે અંતર્ગત તળાવ, નદી નાળાં, હવાડા, કેનાલમાં પાણી ભરાયેલ હોય તો તેમાં ગપ્પી માછલી નાખવી જેથી કરીને તેનાં થકી મચ્છરના પોરાનો નાશ કરી શકાશે.

અઠવાડિયામાં એક વાર ઘરની આસપાસ, ઘરની અંદર અને ધાબામાં ભરાયેલા પાણીને ખાલી કરવાનું અને ઘર વપરાશના પાણી ભરેલ પાત્રોને અઠવાડિયામાં એક વાર ખાલી કરી, સુકવી ફરી ભરવા માટે જણાવવામાં આવી રહ્યું છે.

આ ઉપરાંત રાત્રે સુવામાં મચ્છરદાનીનો ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવી છે. દિવસે બહાર નીકળો ત્યારે સંપૂર્ણ શરીર ઢંકાય તેવાં કપડાં અને બૂટ મોજા પહેરવાથી મચ્છરના ડંખથી બચી શકાય છે. વધુમાં નકામો કચરો, ભંગાર, પ્લાસ્ટિક અને પક્ષિકુંજનો વરસાદ પહેલાં યોગ્ય નિકાલ કરો જેથી પાણી ભરાશે નહિ અને મચ્છર થશે નહિ, તેમ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, જિલ્લા પંચાયત, બોટાદ દ્વારા જણાવવામાં આવ્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.