યુવાનની હત્યા કરી મોરબીથી અમદાવાદ ભાગી આવેેલો આરોપી ઝડપાયો

AI Image
મોરબી, મોરબીના ખાખરાળા ગામે રહેતા કિશન કરોતરા નામના રર વર્ષીય રબારી યુવાનની ગત તા.૩૦ના રોજ રાત્રીના સમયે હત્યા થઈ હતી. મુળુભાઈ ઉર્ફે સાગર આયદનભાઈ ડાંગર (ઉ.વ.૩૩) નામના શખ્સે પ્રથમ મૃતક યુવાન સામે બંદૂક તાકી બંદૂક વડે ફાયર કરતા બંદૂકથી ફાયર થયેલ નહીં.
જેથી ધારદાર છરી વડે છાતીના ભાગે તથા વાસાના ભાગે જમણા ખંભાના ભાગે તથા કાંડાના ભાગે તથા જમણા હાથના પોચાના ભાગે છરીના ઘા મારી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી જેના કારણે યુવાનનું મોત થતાં તાલુકા પોલીસે ગુનો નોંધી આરોપીની શોધખોળ હાથ ધરી હતી.
આરોપીની તાત્કાલિક ધરપકડ અને કડક કાર્યવાહીની માંગ સાથે શ્રી વડવાળા યુવા સંગઠનના નેજા હેઠળ રબારી સમાજ દ્વારા મૌન રેલી યોજી ડીવાયએસપીને આવેદન પણ આપ્યું હતું.
પોલીસે અલગ અલગ ટીમો બનાવી સઘન તપાસ હાથ ધરતા આરોપી મુળુભાઈ ઉર્ફે સાગર આયદનભાઈ ડાંગર અમદાવાદમાં ગીતા મંદિર બસ સ્ટેશન ખાતે આવવાનો હોવાનું જાણવા મળતા પોલીસે વોચ ગોઠવી તેને પકડી મોરબી લાવી આગળની કાર્યવાહી હાથ ધરી છે.