ડાયમંડ એસોસિએશનના પ્રમુખ અને હીરાના દલાલે રૂ.૭૬ લાખની ઠગાઈ આચરી

(એજન્સી)ભાવનગર, ભાવનગર ડાયમંડ એસોસિએશનના પ્રમુખ અને હીરાના દલાલ સામે ૭૬ લાખથી વધુની કિંમતના હીરાની છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ છે. હીરાના દલાલે આ રકમની ઉચાપત કરી હોવાની નિલમ બાગ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.
પોલીસે હીરા દલાલ ઈશ્વર ભડોરીયાની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. એસોસિએશનના પ્રમુખે મીટિંગ કરાવી બળજબરી પૂર્વક સમાધાન કરાવ્યુ
વર્ષ ૨૦૨૪ના મે મહિનાથી લઈ ઓક્ટોબર ૨૦૨૪ સુધીમાં હીરા દલાલ ઈશ્વર ભડોરીયાએ હીરા લઈને ઠગા આચરી છે. ૭૬ લાખથી વધુની કિંમતના હીરાની રકમ ડાયમંડ એસોસિએશનના પ્રમુખ અને દલાલ ઓળવી ગયા હોવાની ફરિયાદ નોંધાતા ડાયમંડ માર્કેટમાં ચકચાર મચી જવા પામી છે.
હીરાના દલાલ ઈશ્વર ભડોરિયા પાસે વેપારી વારંવાર રૂપિયા માંગતો હોવાથી ડાયમંડ એસોસિએશનના પ્રમુખે મીટિંગ કરાવી બળજબરી પૂર્વક સમાધાન કરાવ્યુ હોવાનો હીરાના વેપારીએ ફરિયાદમાં ઉલ્લેખ કર્યો છે.
ડાયમંડ એસોસિએશનના પ્રમુખ ઘનશ્યામ ગોરસિયા અને હીરાના દલાલ ઈશ્વરભાઈ ભડોરીયા સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ છે. નિલમબાગ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે હીરાના દલાલ ઈશ્વર ભડોરિયાની ધરપકડ કરી છે. તે ઉપરાંત ડાયમંડ એસોસિએશનના પ્રમુખ ઘનશ્યામ ગોરસિયાને ઝડપી લેવા માટે તજવીજ હાથ ધરી છે.