૧૭ કરોડનું જીરૂ ખરીદીને ઠગાઈ આચરનારા ૨ આરોપી ઝડપાયા

રાજકોટ, બેડી માર્કેટિંગ યાર્ડમાં સતત ચોથા દિવસે કમિશન એજન્ટ કામથી અળગા રહ્યા હોવાનું સામે આવ્યું છે. કમિશન એજન્ટ કામથી અળગા રહેવાના કારણે યાર્ડમાં માલ લઈને આવતા ખેડૂતો, મજૂરો તેમજ વાહન ચાલકોને પણ પરેશાની વહોરવાનો વારો આવ્યો છે.
ત્યારે રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના ડિરેક્ટર તેમજ કમિશન એજન્ટ મંડળના પ્રમુખ અતુલ કમાણી દ્વારા મીડિયા સાથેની વાતચીતમાં જણાવવામાં આવ્યું હતું કે, કમિશન એજન્ટ પાસે હાલ રોકડ રૂપિયા નથી. સાથે જ પ્રમુખે કહ્યું કે, જે.કે.ટ્રેડિંગ કંપનીના ઢોલરીયા બંધુ ૧૭ કરોડથી પણ વધુના નાણાં ઓળવી ગયા છે. જેના કારણે હાલ રોકડની વ્યવસ્થા ન હોવાના કારણે માર્કેટ યાર્ડનું કામકાજ બંધ રાખવામાં આવેલ છે.
તેમજ જો પોલીસ દ્વારા અમારા પૈસા પરત અપાવવાની ખાતરી અપાવવામાં આવશે તો જ માર્કેટિંગ યાર્ડની કામગીરી રાબેતા મુજબ સોમવાર અથવા તો મંગળવારથી શરૂ કરવામાં આવશે. જ્યાં સુધી પૈસા પરત અપાવવાની ખાતરી આપવામાં નહીં આવે ત્યાં સુધી માર્કેટિંગ યાર્ડની કામગીરી રાબેતા મુજબ શરૂ નહીં થાય તે પ્રકારની ચીમકી કમિશન એજન્ટો દ્વારા ઉચ્ચારવામાં આવી છે.
શહેરના કુવાડવા રોડ પોલીસ સ્ટેશન ખાતે બીએનએસની કલમ ૩૧૬(૫), ૩(૫), ૫૪ સહિતની કલમ હેઠળ બીપીન ઢોલરીયા અને નિતેશ ઢોલરીયા વિરુદ્ધ ગુનો નોંધાવવામાં આવ્યો હતો. બેડી માર્કેટિંગ યાર્ડમાં ઓમકાર ટ્રેડિંગ પેઢી ચલાવનારા વેપારી મનસુખ પટેલ દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી હતી. તેમજ ઢોલરીયા બંધુ દ્વારા મનસુખ પટેલની પેઢી પાસેથી ૧,૧૮,૬૮,૦૯૭ રુ. તેમજ અન્ય વેપારીઓ પાસેથી પણ જીરુની ખરીદી કરવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે કુલ, ૧૭,૧૯,૫૦,૦૫૯ રૂપિયાના કિંમતનું જીરું ખરીદ કરવામાં આવ્યું હતું. પરંતુ ખરીદ કરેલ રકમ ઢોલરીયા બંધુ દ્વારા ચૂકવવામાં ન આવતા વેપારીઓ દ્વારા રાજકોટ શહેર પોલીસ કમિશનરને રજૂઆત કરવામાં આવી હતી. જે રજૂઆત કરતા રાજકોટ આર્થિક ગુના નિવારણ શાખા દ્વારા ૫૫ વર્ષીય બીપીન ઢોલરીયા તેમજ ૪૭ વર્ષીય નિતેશ ઢોલરીયાની ધરપકડ કરવામાં આવી છે.