તાલાલા ગામના માછીમાર દંપતી માટે SSG હોસ્પિટલનો બાળરોગ વિભાગ દેવદૂત બન્યો

એસએસજીમાં રેર એવા ન્યુરોબ્લાસ્ટોમા કેન્સરથી પીડિત નવ માસની બાળકીને નવજીવન મળ્યું
(માહિતી) વડોદરા, તલાલા ગામ (જી. ગીર સોમનાથ)ના રહેવાસી અને માછીમાર દંપતી તેમના ૯ માસના દિકરીને બાળકમાં અસામાન્ય હલચાલ અને આંખોની આકસ્મિક કમ્પન જેવી તકલીફના કારણે રાજકોટ સિવિલ હોસ્પિટલના બાળરોગ વિભાગમાં નિદાન પ્રક્રિયા દરમિયાન બાળકીને ન્યુરોબ્લાસ્ટોમ નામની દુર્લભ ન્યુરોલોજિકલ તકલીફ હોવાનું જણાયું હતું. વધુ તપાસરૂપે કરાવવામાં આવેલા સિટી સ્કેનમાં ડાબી બાજુની કિડનીની ઉપર એક ગંભીર ગાંઠ નજરે પડી હતી.
તા. ૧૯ ડિસેમ્બરના રોજ રેડિયોલોજી વિભાગની ડૉ. હિમાની પટેલ દ્વારા ગાંઠની બાયોપસી કરવામાં આવી, જેના આધારે બાળકીને ન્યુરોબ્લાસ્ટોમા નામનું કેંસર હોવાનું સ્પષ્ટ થયું. ન્યુરોબ્લાસ્ટોમા બાળકોમાં જોવા મળતું એક જીવલેણ કેંસર છે, જેને યોગ્ય સારવાર વિના જીવના જોખમ તરફ દોરી શકે છે.
આ ગંભીર અવસ્થા વચ્ચે, હોસ્પિટલના શસ્ત્રક્રિયા વિભાગે ઝડપથી કામગીરી હાથ ધરી. પીડીયાટ્રીક સર્જન ડૉ. કશ્યપ પંડ્યા, ઓંકોલોજીકલ સર્જન ડૉ. શીવાંગ શુકલા અને એનેસ્થેશિયા નિષ્ણાત ડૉ. કોમલના સહકારથી બાળકીની અત્યંત જટિલ સર્જરી સફળતાપૂર્વક હાથ ધરવામાં આવી હતી. સર્જરી બાદ, ડૉ. આશ્રુતિ કાચા અને તેમની બાળરોગ વિશેષજ્ઞોની ટીમ દ્વારા બાળકીને ત્રણ સાયકલની કીમોથેરાપી આપવામાં આવી હતી.
આ સમગ્ર લાંબી અને સંવેદનશીલ સારવારપ્રક્રિયા દરમિયાન હોસ્પિટલના તબીબી અધિક્ષક ડૉ. રંજન ઐયર તથા ડૉ. રાજીવ દવેશ્વરનો માર્ગદર્શન તેમજ રેડીયોથેરાપી વિભાગના ડૉ. દિવ્યેશ રાણા તથા પીડિયાટ્રીક ડિપાર્ટમેન્ટના વડા ડૉ. ઓમપ્રકાશ શુકલાનું સુમેળભર્યું સહયોગ મળ્યો હતો. તેમના સહકારથી બાયોપસી, સીટી-સ્કેન, સ્ટેગીંગ, રિપોર્ટ, તથા કીમોથેરાપી જેવી તમામ પ્રક્રિયાઓને અસરકારક રીતે પાર પાડી શકાઇ હતી.
સર્જરી અને કીમોથેરાપીનો સંયુક્ત પરિણામ એ રહ્યું કે બાળકીની કેંસરસ્નેહી ગાંઠ સંપૂર્ણપણે દૂર કરી દેવામાં આવી અને હવે બાળકી સંપૂર્ણપણે રોગમુક્ત છે. નવમાસના નાની બાળકી માટે આ સમગ્ર સારવાર એક દૈવિક ચમત્કાર સમાન બની રહી હતી.
આ ઘટના માત્ર એક દર્દીની સફળતા નથી, પણ રાજ્ય સરકારના આરોગ્યતંત્રની કાર્યક્ષમતા, સારવારની સુવિધાઓ અને તબીબોની નિષ્ઠાનું જીવંત ઉદાહરણ છે. હાલના સમયમાં, વડોદરા એસએસજી હોસ્પિટલ જેવાં સરકારી તબીબી કેન્દ્રો ગ્રામ્ય વિસ્તારોના નાગરિકોને પણ અદ્યતન સારવાર અને જીવ બચાવતી તક પૂરી પાડી શકે છે એ ગૌરવની વાત છે.