Western Times News

Gujarati News

RTEમાં પ્રથમ રાઉન્ડના અંતે કુલ ૧૩૩૮૪ બેઠકો ખાલી રહી, ૫૮૯૮ અરજદારોના પ્રવેશ કન્ફર્મ ન થયા

સરકારે આ વર્ષે શહેરી અને ગ્રામીણ વિસ્તાર માટે આવક મર્યાદા વધારી

(એજન્સી)અમદાવાદ, રાઈટ એજ્યુકેશન એકટ અંતર્ગત ખાનગી સ્કૂલોમાં ધો.૧માં વિના મુલ્યે પ્રવેશ માટેની રાજ્ય સરકારની ઓનલાઈન કેન્દ્રિય પ્રક્રિયા અંતર્ગત પ્રથમ રાઉન્ડ પૂર્ણ થઈ ગયો છે. પ્રથમ રાઉન્ડના અંતે હવે કુલ ૧૩,૩૮૪ બેઠકો ખાલી રહી છે.

પ્રથમ રાઉન્ડમાં ૮૬,૨૭૪ બેઠકોમાં પ્રવેશ ફાળવાયો હતો. જેમાંથી ૮૦,૩૭૮ બેઠકોમાં વાલીઓએ પ્રવેશ કન્ફર્મ કરાવ્યો હતો. હવે આગામી થોડા દિવસમાં બીજો રાઉન્ડ શરૂ થશે.

આરટીઈ હેઠળ આ વર્ષે ગુજરાતની ૯૭૪૧ ખાનગી સ્કૂલોમાં ૨૫% પ્રમાણે કુલ ૯૩,૮૬૦ બેઠકો ઉપલબ્ધ થઈ હતી. જેની સામે આ વર્ષે ૨,૩૮,૯૧૬ અરજીઓ ઓનલાઈન થઈ હતી. જેમાંથી સ્ક્રુટિનીને અંતે જીલ્લા લેવલે ૧,૭૫,૬૮૫ અરજીઓ માન્ય થઈ હતી. જ્યારે ૧૩,૭૬૧ અરજીઓ રિજેક્ટ કરવામાં આવી હતી અને ૪૯,૪૭૦ અરજીઓ ડુપ્લિકેટ હોવા સહિતના કારણોને લીધે કેન્સલ થઈ હતી.

સરકારે આ વર્ષે આવક મર્યાદા શહેરી વિસ્તાર માટે ૧.૫૦ લાખથી વધારીને ૬ લાખ અને ગ્રામ્ય માટે ૧.૨૦ લાખથી વધારી ૬ લાખ કરી છે. આમ હવે સમાનપણે ૬ લાખ આવક મર્યાદા કરી દેવાતા ૪૫,૦૦૦ જેટલી અરજીઓ વધી હતી. આરટીઈમાં અરજી પ્રક્રિયા બાદ વાલીઓની સ્કૂલ પસંદગી, કેકેટેગરી અને વિવિધ માપદંડો-મેરિટ્‌સના આધારે ગત ૨૮મીએ ૮૬,૨૭૪ બેઠકોમાં પ્રવેશ ફાળવણી થઈ હતી.

જ્યારે ૭૫૮૬ બેઠકો વાલીની પસંદગીના અભાવે ખાલી રહી હતી. પ્રવેશ ફાળવણી બાદ વાલીઓને સ્કૂલ ખાતે રૂબરૂ જઈને ડોક્યુમેન્ટ જમા કરાવી પ્રવેશ કન્ફર્મ કરવા માટે ૮મે સુધીનો સમય આપવામા આવ્યો હતો. કુલ ૮૦,૩૭૬ વાલીએ પ્રવેશ કન્ફર્મ કરાવ્યો છે.

જે પૂર્ણ થઈ ગયા બાદ હાલ હવે પ્રથમ રાઉન્ડને અંતે કુલ ૧૩,૩૮૪ બેઠકો ખાલી રહી છે. જેમાં અગાઉની ૭૫૮૬ અને પ્રવેશ કન્ફર્મ ન થતા ખાલી રહેલી ૫૮૯૮ બેઠકોનો સમાવેશ થાય છે. આ ખાલી પડેલી બેઠકોમાં સૌથી વઘુ ગુજરાતી માઘ્‌યમની બેઠકો છે. પ્રથમ રાઉન્ડ બાદ હવે આવતીકાલે બીજો રાઉન્ડ જાહેર કરવામા આવી શકે છે અને ૧૫મી સુધીમાં બીજો રાઉન્ડ શરૂ થઈ શકે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.