મ્યાનમારમાં સેનાએ જ શાળા ઉપર કરી એરસ્ટ્રાઈક

૨૦ વિદ્યાર્થી સહિત ૨૨ના મોત
વર્ષ ૨૦૨૧માં ફેબ્રુઆરી મહિનામાં મ્યાનમારમાં સેનાએ આંગ સાન સૂની સરકારને ઉથલાવીને સત્તા છીનવી લીધી હતી
મ્યાનમાર,
મ્યાનમારમાં સેનાએ પોતાની જ શાળા પર એરસ્ટ્રાઈક કરી દીધી જેમાં ૨૦ વિદ્યાર્થીઓ અને બે શિક્ષકોના મોત થયા છે. આ હુમલો સોમવારે સવારે થયો જ્યારે બાળકો શાળામાં ભણી રહ્યા હતા. હુમલામાં ૫૦થી વધુ લોકો ઈજાગ્રસ્ત છે. સ્થાનિક મીડિયા અનુસાર આ શાળા લોકતંત્ર સમર્થક આંદોલન સાથે જોડાયેલી હતી. મ્યાનમારની સેનાએ આ હુમલાને લઈને કોઈ સત્તાવાર નિવેદન આપ્યું નથી. મ્યાનમારના બીજા સૌથી મોટા શહેર માંડલેથી ૧૧૫ કિમી દૂર સગાઈંગ વિસ્તારના એક ગામમાં આ હુમલો કરવામાં આવ્યો હતો.
અહેવાલ અનુસાર સ્થાનિકોનો દાવો છે કે ફાઇટર જેટ દ્વારા શાળા પર બોમ્બવર્ષા કરાઇ. આસપાસના ત્રણ ઘરોમાં પણ ભારે નુકસાન થયું. નેશનલ યુનિટી ગવર્નમેન્ટના પ્રવક્તા નાએ ફોન લેટે જણાવ્યું છે કે સેના જાણીજોઇને શાળા, હોસ્પિટલ અને મઠ જેવી જગ્યાઓ પર હુમલા કરે છે. સેના દ્વારા ખોટા દાવા કરવામાં આવે છે કે અહીં બળવાખોરો છૂપાયેલા છે. પરંતુ તેમનો ધ્યેય લોકોને ડરાવીને રાખવાનો છે. નોંધનીય છે કે મ્યાનમારની સેના પર ઘણીવાર પોતાના જ દેશના નાગરિકો પર એરસ્ટ્રાઈક કરવાનો આરોપ અગાઉ પણ લાગી ચૂક્યો છે.
સપ્ટેમ્બર ૨૦૨૨માં પણ આ જ વિસ્તારમાં એક શાળામાં હુમલો કરવામાં આવ્યો હતો જેમાં ૭ બાળકો સહિત ૧૩ લોકોના મોત થયા હતા. ૨૦૨૩માં એક સમારોહમાં હુમલો કરવામાં આવ્યો હતો જેમાં ૧૬૦ લોકોના મોત થયા હતા. વર્ષ ૨૦૨૧માં ફેબ્›આરી મહિનામાં મ્યાનમારમાં સેનાએ આંગ સાન સૂની સરકારને ઉથલાવીને સત્તા છીનવી લીધી હતી. તે બાદથી જ સેના સત્તા ટકાવી રાખવા માટે બળવાખોરો વિરુદ્ધ સતત કાર્યવાહી કરે છે. SS1