પુતિને પૂર્વશરત વગર યુક્રેન સાથે સીધી વાતચીત માટે દરખાસ્ત કરી

૧૫ મેના રોજ તૂર્કીના ઈસ્તંબુલમાં વાતચીત કરવા પ્રસ્તાવ
પુતિને મીડિયાને આપેલા નિવેદનમાં ૧૫ મેના રોજ ઇસ્તંબુલમાં યુક્રેન સાથે સીધી વાતચીત ફરી શરૂ કરવાનો પણ પ્રસ્તાવ મૂક્યો હતો
મોસ્કો,રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધને ઘણો સમય વીતી ગયો છે, પરંતુ આ યુદ્ધ હજુ પણ ચાલુ છે. જોકે, હવે લગભગ ત્રણ વર્ષ પછી રશિયાએ આ યુદ્ધને સમાપ્ત કરવા તરફ એક પગલું ભર્યું છે. રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિને કોઈ પણ પૂર્વશરત વગર ૧૫ મેના રોજ યુક્રેન સાથે સીધી વાતચીતનો પ્રસ્તાવ મૂક્યો છે. યુક્રેનના રાષ્ટ્રપ્રમુખ વોલોડીમીર ઝેલેન્સ્કીએ આ અંગે ખુશી વ્યક્ત કરી છે અને તેને સકારાત્મક સંકેત ગણાવ્યો છે. જોકે, ઝેલેન્સકીએ કહ્યું કે, શાંતિ મંત્રણા શરૂ થાય તે પહેલાં યુદ્ધવિરામ થવો જોઈએ.
પુતિને મીડિયાને આપેલા નિવેદનમાં ૧૫ મેના રોજ ઇસ્તંબુલમાં યુક્રેન સાથે સીધી વાતચીત ફરી શરૂ કરવાનો પણ પ્રસ્તાવ મૂક્યો હતો. યુદ્ધવિરામ અને યુદ્ધવિરામનું પાલન કરવામાં કિવના ખરાબ રેકોર્ડનો ઉલ્લેખ કરીને પુતિને યુક્રેન પર આરોપ મૂક્યો હતો. પુતિનના નિવેદન અંગે ઝેલેન્સ્કીએ કહ્યું કે, ‘આ એક સકારાત્મક સંકેત છે કે રશિયાએ આખરે યુદ્ધ સમાપ્ત કરવાનું વિચારવાનું શરૂ કર્યું છે. દુનિયા લાંબા સમયથી આની રાહ જોઈ રહી છે અને કોઈપણ યુદ્ધને ખરેખર સમાપ્ત કરવા માટેનું પ્રથમ પગલું યુદ્ધવિરામ છે. અમને અપેક્ષા છે કે રશિયા ૧૨ મે સુધીમાં સંપૂર્ણ, કાયમી યુદ્ધવિરામ માટે તૈયાર થઈ જશે.
’વ્લાદિમીર પુતિને યુદ્ધવિરામ પર રશિયાનું વલણ સ્પષ્ટ કરતા કહ્યું કે રશિયાએ વારંવાર યુદ્ધવિરામનો પ્રસ્તાવ મુક્યો હતો, પરંતુ યુક્રેન અને પશ્ચિમી દેશોએ તેને અવગણ્યું હતું. આ સાથે તેમણે દાવો કર્યાે હતો કે એક સમયે બંને દેશોએ એક સંયુક્ત ડ્રાફ્ટ પણ તૈયાર કર્યાે હતો, જેને પશ્ચિમી દબાણ હેઠળ કિવ દ્વારા નકારી કાઢવામાં આવ્યો હતો. દરમિયાન, રશિયા દ્વારા જાહેર કરાયેલ ૭૨ કલાકનો એકપક્ષીય યુદ્ધવિરામ રવિવારે સમાપ્ત થઈ ગયો, ત્યારબાદ પુતિને યુક્રેન પર આરોપ લગાવ્યો કે આ સમયગાળા દરમિયાન રશિયા સાથેની કિવની સરહદ પર પાંચ વખત હુમલો કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે યુક્રેન સાથે રશિયાની વાતચીતની ઓફરને બંને દેશો માટે એક મહાન દિવસ ગણાવ્યો. ટ્રમ્પે કહ્યું કે- આનાથી લાખો લોકોના જીવ બચશે. બંને દેશો સાથે કામ ચાલુ રાખવા વિશે વાત કરતા ટ્રમ્પે કહ્યું કે, અમેરિકા યુદ્ધને બદલે પુનર્નિર્માણ અને બજારો પર ધ્યાન કેન્દ્રિત કરશે.SS1