યુવાનને લગ્ન માટે યુવતી બતાવવા બોલાવીને જંગલ વિસ્તારમાં હત્યા કરી દેવાઈ: 3 ઝડપાયા

AI Image
મહિલા સહિત ત્રણ શખ્સોએ રૂ.૧૦ લાખની ખંડણી માગી, ત્રણેયની ધરપકડ
દાહોદ, દાહોદના ઝાલોદ તાલુકાના ચાલીયા ગામે જંગલ વિસ્તારમાંથી રાજકોટના યુવકની હત્યા કરી ફેંકી દેવાયેલી લાશ મળી હતી. જે બનાવમાં મૃતકને લગ્ન માટે છોકરી બતાવવાનું કહી રૂ.૧૦ લાખની ખંડણીની માંગણી સાથે મહિલા સહિત ત્રણ શખ્સોએ માર મારી મોતને ઘાટ ઉતાર્યાે હોવાની ફરિયાદના પગલે પ્રવીણ, વિપુલ તથા સુનિતાની અટકાયત કરી છે.
તા.૯મીના રોજ ચાકલીયા ગામે જંગલ વિસ્તારમાંથી રાજકોટના ૪૦ વર્ષીય રમેશ કરમશીભાઈ ડાંગરેચીયાની હત્યા કરાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. આ મામલે મૃતક યુવકના સાળાને ચાકલીયા પોલીસ મથકે મહિલા સહિત ૩ શખ્સો વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે, જેમાં જણાવ્યા અનુસાર, રમેશભાઈ રાજકોટ તાલુકાના કાગદડી ગામે તેમના ઘરમાં ગેરેજ ચલાવતા હતા
જેની આજુબાજુ દાહોદ જિલ્લાના માણસો કામ કરતા હોઈ અવારનવાર ગેરેજ પર આવતા તેમની સાથે મિત્રતા થઈ હતી. રમેશભાઈના ૧૪ વર્ષ પહેલાં છૂટાછેડા થયા હતા અને સંતાનમાં બંસી નામની ૧૫ વર્ષની દીકરી હતી. થોડા દિવસ પહેલા દાહોદ જિલ્લાની સુનિતા અને પ્રવીણ નામના શખ્સો રમેશભાઈના ઘરે આવ્યા હતાં. જ્યાં સુનીતા સાથે લગ્ન અંગે વાત થઈ હતી.
પરંતુ લગ્ન પેટે રોકડા રૂપિયા અઢી લાખ તથા અઢી કિલો ચાંદીની માંગણી કરતા રમેશભાઈએ ના પાડી દીધી હતી. ત્યારબાદ રમેશભાઈ ત્રણ-ચાર દિવસ અગાઉ દાહોદ જવાનું કહીને નીકળી દાહોદ આવ્યા હતાં. જ્યાં પહોંચી તેમણે ફોન કરીને કહ્યું કે મને બીજી છોકરી બતાવવા લઈ જાય છે, હું એમના ઘરે છું છોકરી આવશે એટલે હું તમને વીડિયો કોલથી બતાવીશ.
સાળા પ્રકાશભાઈ પર રમેશભાઈના મોબાઈલથી અજાણ્યા માણસોએ ફોન કરી રમેશભાઈ અમારા કબજામાં છે. જીવતો રાખવો હોય તો દસ મિનિટમાં દસ લાખ નાંખો નહીં તો મારી નાંખીશુ, તેવી ધમકી આપી હતી. તે સમયે ફોનમાં રમેશભાઈને મારતા ત્યારપછી રમેશભાઈ ચાકલીયા ગામના ખેતરમાં ઈજા પામેલી હાલતમાં મળી આવ્યા હતા.