મહિનામાં દોઢ લાખનું ભરણ લઈ ગાય છોડવાનું કૌભાંડ

પ્રતિકાત્મક
વડોદરા, શહેરમાં રખડતાં પશુ નિયંત્રણ અંગેનું જાહેરનામું પ્રસિદ્ધ કરાયા બાદ ઢોર પાર્ટીની ટીમ દ્વારા કડક કાર્યવાહી શરૂ કરાઈ હતી.
જોકે પશુપાલકો પાસે ભરણ લઈ ગાયો છોડી મૂકવામાં આવતી હોવાનું કૌભાંડ બહાર આવ્યું છે. પશુપાલકો અને ગાય પકડનાર (કેચર) વચ્ચે થયેલી વાતચીતની ઓડિયો વાઈરલ થતાં કૌભાંડનો પર્દાફાશ થયો હતો.
એક મહિનામાં અલગ-અલગ વિસ્તારમાંથી ગાયો છોડવા માટે એકથી દોઢ લાખ જેટલું ભરણ ઉઘરાવવામાં આવતું હોવાની ફરિયાદો ઉઠી છે.
શહેરમાં રખડતાં પશુઓ પકડવા તેમજ ગેરકાયદે ઉભા કરાયેલા ઢોરવાડાને દૂર કરવાની કાર્યવાહી હાથ ધરાઈ હતી. પાલિકા દ્વારા રખડતાં પશુઓ પકડવા માટે સુપરવાઈઝર અને કોન્ટ્રાક્ટ પર કર્મચારીઓ લઈ વધુ ટીમો બનાવાઈ છે.
ત્યારે પશુ પકડનાર કેચર દ્વારા મહિને ભરણ લઈ ગાયો છોડવામાં આવતી હોવાનું કૌભાંડ સપાટી પર આવતાં ખળભળાટ મચ્યો છે.
પશુપાલકો અને સંજય રાજપૂત ઉર્ફે બાબુ નામના કેચર વચ્ચે ગાયો છોડી દેવા અને નાણાં લેવા અંગેની ઓડિયો વાઈરલ થઈ છે. તદુપરાંત ઢોર પાર્ટી કયા વિસ્તારમાં નીકળશે, તેમનાં લોકેશન, ગાયની અદલા-બદલી, સમાધાન કરાવવા જેવી બાબતોનો ઉલ્લેખ કરાયો છે. ઓડિયો ક્લિપમાં રૂ.૩ હજારની લેવડ-દેવડ અને ઓનલાઈન પેમેન્ટ અંગે પણ ચર્ચા કરાઈ છે.