મહેમદાવાદ કોર્ટના બેલિફે વિધવાને નોકરી આપવાના નામે ૭ લાખ ખંખેર્યા

બેલિફ સામે છેતરપિંડીની ફરિયાદ
મામા હાઇકોર્ટમાં છે તેમના સેટિંગથી ઘણાને નોકરી અપાવી છે કહીને દસ લાખ લાખની માગણી કરી
નડિયાદ,મહેમદાબાદ કોર્ટમાં નોકરી કરતા બેલિફે પોતાના મામા હાઇકોર્ટમાં જજ હોવાનું કહી વિધવાને નોકરી અપાવવાની લાલચ આપી હતી. બાદમાં વિધવાને નોકરી ન મળતા પૈસા પરત આપવાની માંગણી કરતા બેલિફે રૂ.૭ લાખ પરત ન આપી છેતરપિંડી કરી હતી. આ બનાવ અંગે મહેમદાવાદ પોલીસે ફરિયાદ નોંધી છે. અમદાવાદના નારોલ રુદ્ર એપાર્ટમેન્ટમાં દિપ્તીબહેન મૂળજીભાઈ પરમાર વિધવા પોતાના પિતા સાથે રહે છે. તેમની બહેન મનીષા મહેમદાવાદ કોર્ટમાં ક્લાર્ક તરીકે નોકરી કરે છે. દિપ્તી બહેનને પોતાની બેનને મળવા કોર્ટમાં ગઈ હતી. ત્યારે હાઇકોર્ટના ક્લાર્કની પરીક્ષાની તૈયારી બાબતે બંને વાતચીત કરતા હતા.
આ વાતચીત સાંભળી કોર્ટમાં નોકરી કરતા બેલીફ નિગમ સુરેશભાઈ ભટ્ટએ દિપ્તી બહેનને કહેલ કે મારા મામા હાઇકોર્ટમાં જજ છે. તેમના સેટિંગથી ઘણાને નોકરી અપાવી છે. આ નોકરી અપાવવા માટે રૂ.૧૦ લાખ ખર્ચ થશે તેમ જણાવ્યું હતું. બાદમાં દિપ્તી બહેન રકઝક કરતા રૂ.૭ લાખ આપવાના નક્કી થયા હતા. દિપ્તી બહેનએ તા.૨૬/૭/૨૩ ના રોજબેંકનો રૂપિયા બે લાખનો તેમજ તા.૧૨/૮/૨૩ ના રોજ રૂપિયા દોઢ લાખનો ચેક ત્યારબાદ રૂપિયા સાડા ત્રણ લાખ રોકડા મળી કુલ રૂ.૭ લાખ આપ્યા હતા. હાઇકોર્ટના ક્લાર્કની પરીક્ષા લેવાઈ ગયા બાદ પરિણામ જાહેર થયું હતું પરંતુ લીસ્ટમાં દિપ્તી બહેનનું નામ ન આવતા તેઓએ નિગમ ભટ્ટને વાત કરતા દિવાળી પછી બીજુ લિસ્ટ જાહેર થશે તેમાં તમારું નામ આવી જશે તેવો વિશ્વાસ આપ્યો હતો.
ત્યારબાદ બીજુ લિસ્ટ જાહેર ના થતા તેમજ નોકરી ન મળતા તેઓએ પૈસા પાછા આપવાની વાત કરતા નિગમ ભટ્ટે તમામ પૈસા પરત આપી દેવાનું જણાવ્યું હતું. ત્યારબાદ અવારનવાર પૈસાની માગણી કરતા કોર્ટના બેલીફ અવનવા બહાના બતાવતો હતો. નિગમ ભટ્ટે નોકરી કે પૈસા પરત ન આપી વિધવા સાથે વિશ્વાસઘાત છેતરપિંડી કરી હતી. આ બનાવ અંગે દિપ્તી બહેન મૂળજીભાઈ પરમારની ફરિયાદ આધારે મહેમદાવાદ પોલીસે નિગમ સુરેશભાઈ ભટ્ટ સામે ફરિયાદ નોંધાવી છે. SS1