ભાલેજ એક્ઝીટ પોઇન્ટ ઉપર હત્યા કરાયેલી હાલતમાં મહિલાની લાશ મળી

અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે ઉપર માથામાં બોથડ પદાર્થના ફટકો માર્યાના અને ગળાના ભાગે ઈજાના નિશાન મળ્યાં, પોલીસે તપાસ હાથ ધરી
આણંદ,અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે ઉપર ભાલેજ એક્ઝીટ પોઇન્ટ પર બે દિવસ પૂર્વે હત્યા કરાયેલી હાલતમાં મહિલાની લાશ મળી હતી. અજાણ્યા શખ્સોએ માથામાં બોથડ પદાર્થના ફટકો માર્યાના અને ગળાના ભાગે ઈજાના નિશાન મળ્યા હતા.પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ગત શનિવાર સાંજના સુમારે એક્સપ્રેસ હાઈવે ઉપર આવેલા ભાલેજ એક્ઝિટ પોઇન્ટ નજીકથી ૩૫થી ૪૦ વર્ષના આસરાની એક મહિલાની હત્યા કરાયેલી લાશ મળી આવી હતી.
કોઈ અજાણ્યા શખ્સોએ માથામાં બોથડ પદાર્થનો ફટકો મારી તેમજ ગળાના ભાગે ઇજાઓ પહોંચાડી હોવાનું જાણવા મળ્યું હતું. આણંદ ગ્રામ્ય પોલીસે લાશનો કબજો મેળવી વધુ તપાસ હાથ ધરતા મહિલાને શરીરના વિવિધ ભાગોએ ઇજાના ચિન્હો મળી આવ્યા હતા સાથે સાથે ધાતુની અલગ અલગ છ નંગ વીંટીઓ મળી આવી હતી તથા પોલીસે ઘટના સ્થળે તપાસ કરતા એક તૂટેલો દોરો પણ મળી આવ્યો હતો. આ ઉપરાંત ઘટના સ્થળેથી લોહીના નિશાન પણ મળ્યા હતા. જેથી આ સ્થળે જ હત્યાને અંજામ આપવામાં આવ્યો હોવાની શક્યતા છે. મૃતકની ઓળખ માટે પોલીસ દ્વારા અલગ અલગ સાત ટીમો બનાવી તપાસ હાથ ધરી છે.SS1