Western Times News

Gujarati News

હાથીજણમાં પાળેલા શ્વાને બાળકી ફાડી ખાધી : શ્વાન માલિક સામે કાયદેસર કાર્યવાહી થશે

પ્રતિકાત્મક

( પ્રતિનિધિ) અમદાવાદ,  અમદાવાદ શહેરના હાથીજણ સર્કલ પાસે આવેલી રાધે રેસિડેન્સીમાં પાલતું રોટવીલર શ્વાને 4 મહિનાની બાળકી અને તેની સાથે રહેલા તેના માસી પર હુમલો કરી દેતા બાળકીનું મોત નિપજ્યું છે. જ્યારે માસીને ઈજા પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.

ભૂતકાળમાં આ શ્વાને અન્ય લોકોને પણ નિશાન બનાવ્યા હોવાનું અને સોસાયટીએ આ બાબતે વાંધો રજૂ કર્યો હોવાનું પણ સામે આવ્યું છે. ચાર મહિનાની બાળકીના મોત બાદ તેના પરિવારજનો વિવેકાનંદનગર પોલીસ સ્ટેશન પહોંચ્યા છે અને શ્વાનના માલિક સામે કડક પગલાં લેવાની માગ કરી હતી.

બાળકી પર જે શ્વાને હુમલો કર્યો હતો તે શ્વાનનું AMCમાં રજિસ્ટ્રેશન પર કરાવાયું ન હોવાનું સામે આવ્યું છે. AMCનો CNCD વિભાગે શ્વાનનો કબજો લીધો છે. હવે વેલનેસ સેન્ટરમાં રાખી અને હેલ્થ રિપોર્ટ કરશે.  આ અંગે સોસાયટીના રહીશોમાં પણ રોષ જોવા મળ્યો છે. આ મામલે વિવેકાનંદ નગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવશે.

મ્યુનિસિપલ સી.એન.સી.ડી.વિભાગના ડાયરેક્ટર નરેશ રાજપૂત ના જણાવ્યા મુજબ પૂર્વ ઝોનમાં આવેલ રાધેય રેસીડેન્સી, લાલગેબી સર્કલ, હાથીજણ વિસ્તારના ફલેટ નં-એ/૨૦૨ માં વસવાટ કરતા  દિલીપભાઈ પટેલ દ્વારા રાખવામાં આવતા રોટવીલર પ્રકારના પાલતુ શ્વાન દ્વારા તા.૧૨/૦૫/૨૦૨૫ ના રોજ બાળક પર કરાયેલ હુમલાના બનાવ બાદ તા.૧૩/૦૫/૨૦૨૫ ના રોજ સી.એન.સી.ડી. વિભાગના સુપ્રિટેન્ડેન્ટ અને વેટરનરી ડોક્ટર દ્વારા સ્થળ તપાસ કરવામાં આવી હતી.

જે સમયે પાલતુ શ્વાનનો માલિક અથવા પાલતુ શ્વાન ઉપરોક્ત જગા પર મળેલ નહિં, જેથી મ્યુનિ.કોર્પોરેશનના સી.એન.સી.ડી. વિભાગના સુપ્રિટેન્ડેન્ટ તેમજ પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા પાલતુ શ્વાનના માલિક દ્વારા પાલતુ શ્વાનનુ મ્યુનિ.કોર્પોરેશન પાસે રજીસ્ટ્રેશન નહિ કરાવવા અંગે, અન્યને નુકશાન થાય તે રીતે છૂટુ મુકવા અંગે, અન્યને નુકશાન થયાના બનાવ અંગે, પાલતુ શ્વાનના કારણે અન્યને થતી હેરાન ગતી,

પાલતુ કુતરુ કરડવાના બનાવો બાબતે પાલતુ શ્વાનના માલિક  દિલીપભાઇ પટેલ સામે કાયદેસરની કાર્યવાહી કરવા વિવેકાનંદનગર પોલીસ સ્ટેશનમાં રજુઆત કરવામાં આવી હતી તેમજ આ બનાવ/ઘટનાના અનુસંધાને સદર ફલેટના રહીશો દ્વારા વિવેકાનંદનગર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેક્ટરને પાલતુ શ્વાનના માલીક સામે જરૂરી કાયદાકીય કાર્યવાહી કરવા અરજી આપવામાં આવી હતી.

જેના આધારે વિવેકાનંદનગર પોલીસ દ્વારા આ બનાવ સાથે સંકળાયેલ પાલતુ શ્વાનના માલિક  દિલીપભાઇ પટેલને પોલીસ સ્ટેશન લાવી પૂછપરછ કરી આગળની કાર્યવાહી શરૂ કરી છે.

તેમજ સદર શ્વાનના માલિક પાસેથી હાલમાં શ્વાન રાખવામાં આવેલ તે મેમનગર વાળા સ્થળે પોલીસ સ્ટેશન સ્ટાફ, સી.એન.સી.ડી. વિભાગના ડોગ કોચીંગ સ્ક્વોર્ડ, સુપ્રિટેન્ડેન્ટ, પોલીસ સ્ટાફ દ્વારા રૂબરૂ વિઝીટ કરી કાળા કલરનો રોટવીલર ડોગને પકડીને મ્યુનિ.કોર્પોરેશનના ડોગ શેલ્ટરમાં પુરવામાં આવ્યો છે.

જેનાથી અન્યને નુકશાન ન થાય. આ અંગે પોલીસે પાલતુ શ્વાનના માલિક  દિલીપભાઇ પટેલ સામે આગળની કાયદેસરની કાર્યવાહીઓ શરૂ કરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.