Western Times News

Gujarati News

“કન્યા પધરાવો”ને બદલે “આયોજકો પધરાવો સાવધાન”: સમુહ લગ્નમાં નકલી ઘરેણાં

(એજન્સી)રાજકોટ, રાજકોટમાં સમૂહ લગ્નમાં છેતરપિંડી થયાની ઘટના સામે આવી છે. દીકરીઓને અસલીનાં બદલે નકલી દાગીના પધરાવાતા સમૂહ લગ્નનાં આયોજક કોળી સમાજના આગેવાન વિક્રમ સોરાણી માફી માંગી છે.

ગત ૨૭ એપ્રિલનાં રોજ ૫૫૫ દીકરીઓનાં સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. દાતાઓ તરફથી ઘરેણાં આપવામાં આવ્યા હતા. જોકે, ઘરેણા અસલી નહીં પરંતુ નકલી હોવાની જાણ થતાં લખતરના પરિવારે કુવાવડા પોલીસ સ્ટેશનમાં અરજી કરી હતી. પોલીસ કાર્યવાહી બાદ સમૂહ લગ્નના આયોજક દ્વારા વીડિયો જાહેર કરાયો હતો.

આયોજકોએ ડુપ્લીકેટ ઘરેણાં ઓફિસે પરત આપવા અપીલ કરી હતી. સમગ્ર મામલે આયોજકો દ્વારા માફી માંગવામાં આવી હતી. આયોજકો દ્વારા માફી માંગી બીજી વાર આવું ન થાય તે માટે લિમિટેડ લગ્ન કરાવવાની ખાતરી આપી હતી. બે મહિના અગાઉ રાજકોટના રેલનગરમાં ૨૮ વર-વધૂ માંડવે પહોંચ્યા હતા, પરંતુ આયોજકો ફરાર જતાં લગ્ન અટકી પડ્યાં હતા.

આ બનાવની જાણ થતા પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. પરિવારના લોકોએ આયોજકોને અગણિત ફોન કર્યા હતા, પરંતુ આયોજકોએ ફોન ઉપાડવાના બંધ કરી દીધા હતા. આયોજકો ફરાર થતાં જાન, જાનૈયા અને કન્યાપક્ષ રસ્તે રઝળ્યા હતા. આ સમૂહ લગ્નનું આયોજન ઋષિવંશી ગ્રુપે કર્યું હતું. “કન્યા પધરાવો”ને બદલે “આયોજકો પધરાવો સાવધાન” થઈ ગયા હતા.

મહત્વનું છે કે સમૂહ લગ્નમાં રાજકોટ મેયરને મુખ્ય મહેમાન તરીકે આમંત્રણ અપાયું હતું. લગ્નની વીડિયોગ્રાફીનો પણ ઓર્ડર અપાયો હતો. ચંદ્રેશ છત્રોલા, દિલીપ ગોહેલ, દીપક હિરાણી મુખ્ય આયોજક છે. લગ્ન કરાવવા ૨૮ ભૂદેવો પણ મંડપમાં પહોંચ્યા હતા. માતબર રૂપિયા ઉઘરાવી તમામ આયોજકો અદ્રશ્ય થયા હતા. અહીં સંગીત સંધ્યા સાથે ભજનનું પણ આયોજન કરાયું હતું. આયોજકો વિરુદ્ધ પોલીસ પ્રશાસન સત્વરે સક્રિય થાય તેવી માગ કરવામાં આવી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.