પહેલગામ હુમલાના આતંકીઓની બાતમી આપનારા માટે રૂ. ૨૦ લાખનું ઈનામ

(એજન્સી)પહલગામ, જમ્મુ-કાશ્મીરના પહલગામમાં બૈસરન ખીણમાં આતંકી હુમલામાં નિર્દોષ ૨૬ લોકોના જીવ લેનારા આતંકવાદીઓ ૨૦ દિવસ બાદ પણ પકડાયા નથી. તેમની ધરપકડ કરવા પોલીસે અને સુરક્ષાદળોએ ત્રણ આતંકવાદીઓના પોસ્ટર જાહેર કર્યા છે.
તેમજ તેની બાતમી આપનારા માટે રૂ. ૨૦ લાખનું ઈનામ આપવાની જાહેરાત કરી છે. જમ્મુ-કાશ્મીર પોલીસ અને સુરક્ષાદળોની ટીમે મોટાપાયે સર્ચ ઓપરેશન હાથ ધરી હુમલાખોર આતંકવાદીઓની ધરપકડ કરવાની આકરી કવાયત હાથ ધરી છે. તેમ છતાં તેઓ હજુ સુધી પકડ્યા નથી. પહલગામમાં ૨૨ એપ્રિલે આતંકવાદીઓએ બૈસરન ખીણમાં પર્યટકો પર અંધાધૂધ ગોળીબાર કરી ઘાતકી હુમલો કર્યો હતો. જેમાં ૨૬ નિર્દોષની તેમના જ પરિવારની સામે હત્યા કરી હતી.
આ ઘટનાથી ભારત સહિત વિશ્વમાં ખળભળાટ મચ્યો હતો. આતંકવાદને વર્ષોથી પોષનારૂ અને સમર્થક પાકિસ્તાનની ભારે ટીકાઓ થઈ હતી. ભારતીય સેનાની ત્રણેય પાંખોએ આ હુમલાનો બદલો લેવા ઓપરેશન સિંદૂર હાથ ધર્યું હતું. જેમાં પાકિસ્તાનમાં સ્થિત આતંકવાદીઓના નવ ઠેકાણા નષ્ટ કર્યા હતાં.
જેમાં ૧૦૦ જેટલા આતંકવાદીઓનો સફાયો કરવામાં આવ્યો હતો. ભારતીય સેના દ્વારા ૭ મેના રોજ આતંકવાદનો સફાયો કરવા હાથ ધરાયેલા ઓપરેશન સિંદૂર બાદ ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવ વધ્યો હતો.