PM મોદીની આગેવાનીમાં આજે CCSની બેઠક: શું છે મુખ્ય મુદ્દા?

File
પહેલગામ આતંકી હુમલાની તપાસ અને પાકિસ્તાનને આપવામાં આવનારી આગામી ચેતવણી કે જવાબી કાર્યવાહી અંગે ચર્ચા થશે
(એજન્સી)નવી દિલ્હી, ‘ઓપરેશન સિંદૂર’ બાદ ભારતની રાષ્ટ્રીય સુરક્ષા નીતિમાં મોટો ફેરફાર આવ્યો છે. આ દરમિયાન, સરકારે ૧૪ મેના રોજ સવારે ૧૧ વાગ્યે દિલ્હીમાં હાઈ લેવલ બેઠક બોલાવી છે. બુધવારે કેબિનેટ કમિટી ઓન સિક્્યોરિટીની બેઠક યોજાશે, જેની અધ્યક્ષતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરશે.
આ બેઠકમાં ‘ઓપરેશન સિંદૂર’ બાદની રણનીતિ, પહલગામ આતંકી હુમલાની તપાસ અને પાકિસ્તાનને આપવામાં આવનારી આગામી ચેતવણી કે જવાબી કાર્યવાહી અંગે ચર્ચા થશે. એવું માનવામાં આવે છે કે આ બેઠકમાં રક્ષા મંત્રાલય, ગૃહ મંત્રાલય અને વિદેશ મંત્રાલય સાથે સંકળાયેલા ટોચના અધિકારીઓના રિપોર્ટ અને ઇન્ટેલિજન્સ ઇનપુટ્સના આધારે મોટો નિર્ણય લેવામાં આવી શકે છે.
પહલગામમાં થયેલા આતંકી હુમલા બાદ કેબિનેટ કમિટી ઓન સિક્્યોરિટીની બે વખત બેઠક યોજાઈ ચૂકી છે. પ્રથમ બેઠક ૨૩ એપ્રિલે યોજાઈ હતી, જેમાં જણાવવામાં આવ્યું હતું કે પહલગામ હુમલામાં ૨૫ ભારતીય અને એક નેપાળી નાગરિકનું મૃત્યુ થયું હતું. બીજી બેઠક ૩૦ એપ્રિલે વડાપ્રધાનના નિવાસસ્થાને યોજાઈ હતી, જેમાં જમ્મુ-કાશ્મીરની સુરક્ષા સ્થિતિની સમીક્ષા કરવામાં આવી હતી.
તે પછી જ સેનાને ખુલ્લી છૂટ આપવામાં આવી હતી અને ત્રણેય સેનાઓએ સંયુક્ત રીતે ‘ઓપરેશન સિંદૂર’ શરૂ કર્યું હતું. સીસીએસએ દેશની ટોચની સુરક્ષા નીતિ નિર્ધારણ સંસ્થા છે. તેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રક્ષા મંત્રી રાજનાથ સિંહ, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ, નાણા મંત્રી નિર્મલા સીતારમણ અને વિદેશ મંત્રી એસ. જયશંકર સામેલ છે.
૧૪ મેની મહત્વની બેઠક પહેલાં, વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંગળવારે સવારે અચાનક પંજાબના આદમપુર એરબેઝ પર પહોંચ્યા હતા. અહીં તેમણે ભારતીય વાયુસેનાના અધિકારીઓ અને જવાનો સાથે મુલાકાત કરી હતી. પીએમ મોદી સાથેની મુલાકાત દરમિયાન જવાનોનો ‘જોશ’ ખૂબ ‘હાઈ’ જોવા મળ્યો હતો. તેમણે જવાનો સાથે થોડી પળો વિતાવી અને તેમની સાથે વાતચીત પણ કરી હતી.