૬.૩ની તીવ્રતાવાળા ભૂકંપથી ૬ દેશોમાં નોંધાયા ભૂંકપના આંચકા

વહેલી સવારે ધ્રુજી ધરા
સ્થાનિક સમય મુજબ વહેલી સવારે આ ભૂકંપ આવ્યો હતો, ભૂકંપ એટલો જોરદાર હતો કે, લોકો ડરી ગયા હતાં અને ઘરની બહાર ભાગવા લાગ્યા હતાં
નવી દિલ્હી,
બુધવારે વહેલી સવારે ગ્રીસના ક્રીટ દ્વીપ પાસે જોરદાર ભૂકંપ નોંધાયો હતો, જેની અસર મિસ્ત્રથી લઈને ઈઝરાયલ સુધી જોવા મળી હતી. ભૂકંપની તીવ્રતા ૬.૩ રિક્ટલ સ્કેલ નોંધાઈ છે. સ્થાનિક સમય મુજબ વહેલી સવારે આ ભૂકંપ આવ્યો હતો. ભૂકંપ એટલો જોરદાર હતો કે, લોકો ડરી ગયા હતાં અને ઘરની બહાર ભાગવા લાગ્યા હતાં. જર્મન રિસર્ચ સેન્ટર ફોર જીયોસાઇન્સ અનુસાર, ગ્રીસના ક્રીટ દ્વીપ પર બુધાવારે વહેલી સવારે ૬.૩ તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. ભૂકંપ ૮૩ કિલોમીટર ઊંડાણ પર આવ્યો હતો. અત્યાર સુધી ભૂકંપથી કોઈ મોટું નુકસાન અથવા જાનહાનિ નોંધાઈ નથી.
સ્થાનિક વહીવટીતંત્ર અને સુરક્ષા દળ સ્થિતિ પર નજર રાખી રહ્યું છે. આ સાથે જ લોકોને સાવધાન રહેવાની અપીલ કરવામાં આવી રહી છે. નોંધનીય છે કે, ગ્રીસના આ ભૂકંપની અસર મિસ્ત્ર અને ઈઝરાયલ સુધી જોવા મળી હતી. યુનાઇટેડ સ્ટેટ્સ જીયોલોજિકલ સરવે અનુસાર, ભૂકંપ સ્થાનિક સમયાનુસાર ૧ઃ૫૧ વાગ્યે આવ્યો હતો. જેના આંચકા મિસ્ત્રના કાહિરા સાથે-સાથે ઈઝરાયલ, લેબેનોન, તુર્કિયે અને જાર્ડનમાં પણ અનુભવાયા હતાં. SS1