Western Times News

Gujarati News

બાંગ્લાદેશી મહિલાનું જીમેલ એકાઉન્ટ પાક.માં એક્ટિવ થયું હતુંઃ ક્રાઇમ બ્રાન્ચ

મહિલાએ ફેસબુક સહિતના સોશિયલ એકાઉન્ટ બાંગ્લાદેશમાં એક્ટિવ કર્યા હતા

સરકાર તરફે એવી રજૂઆત કરવામાં આવી હતી કે, આરોપી મૂળ સુમિલપરા, જિલ્લો-નારાયણગંજ, ઢાકા બાંગ્લાદેશની વતની છે

અમદાવાદ,બોગસ દસ્તાવેજના આધારે ભારતીય પાસપોર્ટ કઢાવનાર બાંગ્લાદેશી મહિલાને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી લીધી છે. મહિલા આરોપીને કોર્ટમાં રજૂ કરતા અરજન્ટ કોર્ટે ૧૮મી સુધી આરોપીના રિમાન્ડ ગ્રાહ્ય રાખ્યા છે. રિમાન્ડ અરજીમાં ક્રાઇમ બ્રાન્ચે એવી રજૂઆત કરી હતી કે, મહિલા અગાઉ એન્ડ્રોઇડ ફોન વાપરતી હતી ત્યારે તે ફોનનું જી મેલ એકાઉન્ટ પાકિસ્તાનમાં એક્ટિવ થયું હતું. જેથી દેશની આંતરિક સુરક્ષા માટે તે મુદ્દો મહત્ત્વનો છે તે અંગે તપાસ જરૂરી છે. ઉપરાંત, મહિલાનું ફેસબુક એકાઉન્ટ સહિતના સોશિયલ મીડિયા બાંગ્લાદેશમાં એક્ટિવ થયા હતા તે મામલે પણ તપાસ જરૂરી છે. સરકાર તરફે એવી રજૂઆત કરવામાં આવી હતી કે, આરોપી મૂળ સુમિલપરા, જિલ્લો-નારાયણગંજ, ઢાકા બાંગ્લાદેશની વતની છે.

તો તે કેવી રીતે ભારતમાં આવી ? તેને ભારતમાં કેવી રીતે અને કોણે પ્રવેશ અપાવ્યો, આ મામલે કોઇ એજન્ટ કે સંસ્થાની ભૂમિકા છે કે નહીં?, આરોપી જુદા જુદા લોકો સાથે ફોનથી અલગ અલગ દેશમાં સંપર્ક ધરાવે છે તેથી તેની કોલ ડિટેઇલ મેળવવાની છે, આરોપીએ ભારતીય પાસપોર્ટ બનાવવા માટે ભાડા કરાર, આધાર કાર્ડ અસલ ઓળખ છુપાવી બન્યો છે, જ્યારે જન્મનું પ્રમાણપત્ર ખોટી રીતે ઉત્તર પ્રદેશથી મેળવ્યું છે તે કોની મદદથી મેળવ્યું?, આરોપીએ છેલ્લા છ વર્ષમાં ૭-૮ વખત પોતાના સરનામા બદલ્યા છે અને તેમાં તેની સાથે કોણ કોણ સંડોવાયેલ છે, બાંગ્લાદેશના કોઇ પુરાવા આરોપી પાસે છે કે નહીં?, આરોપી અમદાવાદમાં મકાન ખરીદ્યું હતુ અને જુદા જુદા બેંક એકાઉન્ટ ધરાવે છે તેની તપાસ કરવાની છે, મકાન ખરીદવામાટે કોણે નાણાકીય સહાય પૂરી પાડી?, આરોપીને બોગસ દસ્તાવેજના આધારે પાસપોર્ટ કોણે અને કેવી રીતે બનાવ્યો ? સહિતના મુદ્દે તપાસ માટે ૧૦ દિવસના રિમાન્ડની જરૂર છે. આરોપી તરફે એવી રજૂઆત કરવામાં આવી હતી કે, જે જાણતી હતી તે તમામ હકીકતો જણાવી દીધી છે, તપાસમાં સહકાર આપ્યો છે, પોલીસ જે મુદ્દે તપાસ કરવા રિમાન્ડ માગી રહ્યાં છે તેમાં આરોપીની હાજરીની કોઇ જ જરૂર નથી તેથી રિમાન્ડ ન આપવા જોઇએ.SS1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.