ઘાતક વાઈરસની મુંબઈ, પુણે બાદ દિલ્હીમાં એન્ટ્રી
નવી દિલ્હી, જીવલેણ વુહાન કોરોના વાઈરસે દુનિયાભરમાં હાહાકાર મચાવ્યો છે. જેમાં ચીન સૌથી વધુ પ્રભાવિત છે. ચીનમાં અત્યાર સુધીમાં ૧૦૬ લોકોના મોત થઈ ચૂક્યા છે. જ્યારે ચાર હજારથી વધુ લોકો સારવાર હેઠળ છે. હવે આ વાઈરસે ભારતમાં પણ એન્ટ્રી કરી છે. મુંબઈ, પુણે, મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને બિહારમાં તેના એક-એક શંકાસ્પદ દર્દી મળી આવ્યાં છે. દર્દીઓને આઈસોલેશન વોર્ડમાં દાખલ કરાયા છે. ડોક્ટરોની ટીમ તેમની તપાસ કરી રહી છે.
દિલ્હીમાં પણ વુહાન કોરોના વાઈરસના ૩ શંકાસ્પદ દર્દીઓ મળી આવ્યાં છે. ૩ દર્દીઓ ચીનથી દિલ્હી આવ્યાં હતાં. તેમને આરએમએલ હોસ્પિટલમાં દાખલ કરાયા છે. ડોક્ટરોની ટીમ દર્દીઓની તપાસ કરી રહી છે. આ બધા વચ્ચે મધ્ય પ્રદેશના ઉજ્જૈન શહેરમાં પણ એક વ્યક્તિને વુહાન કોરોના વાઈરસનો ચેપ લાગ્યો હોવાની આશંકાના પગલે હોસ્પિટલમાં દાખલ કરાયા છે. ચીનમાં એમબીબીએસનો અભ્યાસ કરી રહેલો વિદ્યાર્થી ૧૩ જાન્યુઆરીના રોજ ભારત પાછો ફર્યો હતો. ત્યારબાદથી દર્દીને શરદી ઉધરસ અને તાવ ઓછા ન થતા તેને આઈસોલેશન વોર્ડમાં દાખલ કરાયો.
આ બાજુ ચીની સરકારે વુહાન કોરોના વાઈરસના ચેપને રોકવા માટે વુહાન જવાના તમામ રસ્તાઓ બંધ કરી દીધા છે. પરંતુ નિર્ણયના કારણે લગભગ ૨૫૦ ભારતીયો વુહાન શહેરમાં ફસાયેલા છે. હવે આ સ્થિતિમાં કેન્દ્ર સરકારે આ ભારતીયોને બહાર કાઢવાની કવાયત શરૂ કરી દીધી છે. વિદેશ મંત્રાલયે ભારતીયોના વાપસી માટે રોડમેપ તૈયાર કરી લીધો છે.